તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ગિરનારની ગુફાઓનું અકળ રહસ્ય: ભવનાથના મેળામાં ‘ચિલમ કા ઈલમ’નો જાદુ, કોણીના ભાગેથી શ્વાસ ખેંચી ચિલમ પીતા સાધ્વી બન્યા આકર્ષણનું કેન્દ્ર
યોગ અને પ્રાણાયામના સંગમથી ધુમાડાને ફિલ્ટર કરવાની અનોખી કળા; ૨૫ વર્ષથી મેળામાં આવતા સાધ્વી ત્રિવેણીગીરીએ યુવાનોને નશાથી દૂર રહેવા કરી અપીલ

જૂનાગઢ: જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં જામલેલા મહાશિવરાત્રીના મેળામાં અનેક સાધુ-સંતો પોતાની અનોખી સાધના અને સિદ્ધિઓ સાથે ઉમટ્યા છે. આ મેળામાં હજારો નાગા સાધુઓ વચ્ચે હાલ એક સાધ્વીની ભારે ચર્ચા થઈ રહી છે. ઉત્તર ગુજરાતથી આવેલા સાધ્વી ત્રિવેણીગીરી મહારાજ પોતાની અનોખી ‘ચિલમ પીવાની શૈલી’ને કારણે લાખો શ્રદ્ધાળુઓમાં કુતૂહલ અને આશ્ચર્યનું કેન્દ્ર બન્યા છે.
શું છે આ ‘ચિલમ કા ઈલમ’?
સામાન્ય રીતે લોકો મોઢેથી ચિલમ પીતા હોય છે, પરંતુ સાધ્વી ત્રિવેણીગીરી હાથની કોણીના ભાગેથી શ્વાસ ખેંચીને ચિલમ પીવે છે. આ પદ્ધતિને સાધુઓની ભાષામાં ‘ચિલમ કા ઈલમ’ કહેવામાં આવે છે. ખભા પાસે હાથ રાખી, નાક પાસે સ્પર્શ કરાવીને યોગ-પ્રાણાયામની મદદથી તેઓ ધુમાડો ફેફસાં સુધી પહોંચાડે છે. માનવામાં આવે છે કે આ પદ્ધતિથી ધુમાડો ફિલ્ટર થઈને શુદ્ધ થાય છે. સાધ્વીના જણાવ્યા મુજબ, આ કોઈ નશો નથી પરંતુ વર્ષોની યોગ સાધના અને ગુરુના આશીર્વાદથી પ્રાપ્ત થયેલી એક કળા છે.
મનને વશમાં રાખવાની સાધના
છેલ્લા ૨૫ વર્ષથી ભવનાથના મેળામાં આવતા સાધ્વીએ જણાવ્યું કે, સાધુ-સંતો ચિલમનો ઉપયોગ મોજ-મજા માટે નહીં, પરંતુ ધ્યાન ધરવા અને મનને વશમાં રાખવા માટે કરે છે. જ્યારે આત્મા પરમાત્મા સાથે એકાકાર થાય, ત્યારે આ ચિલમ પ્રભુ સાથેની લગની લગાવવાનું માધ્યમ બને છે. આ અનોખા દ્રશ્યને જોવા માટે તેમના ધુણા પાસે ભક્તોની ભારે ભીડ જામી રહી છે.
યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ
પોતાની આ અનોખી ખૂબી પ્રદર્શિત કરવાની સાથે સાધ્વી ત્રિવેણીગીરીએ સમાજ માટે એક મહત્વનો સંદેશ પણ આપ્યો છે. તેમણે યુવાનોને નમ્ર અપીલ કરી છે કે, “સાધુઓ જે કરે છે તે કઠિન સાધનાનો ભાગ છે. યુવાનોએ કોઈ પણ પ્રકારના નશા તરફ વળવું જોઈએ નહીં. જીવનમાં સાચી મોજ શુદ્ધ વિચારો અને ભક્તિમાં છે, નશામાં નહીં.”
મહાશિવરાત્રીના આ મેળામાં જ્યાં એક તરફ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે, ત્યાં બીજી તરફ આવા અદભૂત સાધુ-સંતોના દર્શન ભક્તો માટે એક અવિસ્મરણીય લ્હાવો બની રહ્યા છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
