<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th February 2026

માળીયામિયાણા પાસે સ્‍ટેટ વિજીલન્‍સે ૧.૩૮ કરોડના વિદેશી દારૂના જથ્‍થા સાથે બે શખ્‍સોને ઝડપી લીધા

૧૯ હજારથી વધુ દારૂની બોટલો ભરેલ ટ્રક સહિત ૧૬૩ કરોડનો મુદામાલ કબ્‍જેઃ ૭ શખ્‍સો સામે ગુન્‍હો નોંધાયો

 

તસ્‍વીરમાં દારૂનો જથ્‍થો અને પકડાયેલ બે શખ્‍સો નજરે પડે છે.(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)(૬.૧૦)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૪: મોરબી જિલ્લામાં દારૂની બદી ડામવા માટે સ્‍ટેટ મોનીટરીંગ સેલ એ મોટી કાર્યવાહી કરી છે. SMCની ટીમે માળિયા મિયાણા પોલીસ સ્‍ટેશનની હદમાં ભીમાસર ચોકડી નજીક દરોડો પાડીને એક ટ્રકમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી પાડયો છે. આ રેડમાં પોલીસે ૧.૩૮ કરોડની કિંમતનો દારૂ અને ટ્રક સહિત કુલ ૧.૬૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, SMC ના PSI વી.એન. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રકમાં પંજાબથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ટીમે માળિયા મિયાણા હાઈવે પર ભીમાસર ચોકડી પાસે આવેલ સ્‍વાગત પેટ્રોલિયમના ર્પાકિંગમાં વોચ ગોઠવી હતી. ત્‍યાં ઉભેલી શંકાસ્‍પદ ટ્રક (આરજે ૦૭ જીડી ૨૮૫૨)ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્‍ડની ૧૯,૦૬૮ બોટલો મળી આવી હતી. SMC એ ટ્રક ચાલક અને ક્‍લીનરની અટકાયત કરી છે. SMC એ તમામ આરોપીઓ વિરુદ્ધ માળિયા મિયાણા પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશન એક્‍ટ અને ભારતીય ન્‍યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

SMC એ વિદેશી દારૂ ૧૯,૦૬૮ બોટલ (કિંમત રૂ ૧,૩૮,૦૪,૦૮૦/-) તથા ટ્રક નં. આરજે ૦૭ જીડી ૨૮૫૨ રૂ ૨૫,૦૦,૦૦૦/- સહિત કુલ મુદ્દામાલઃ રૂ ૧,૬૩,૫૧,૧૬૦/- નો મુદામાલ કબ્‍જે કરી આરોપી વિક્રમસિંહ નારાયણસિંહ ચૌહાણ (રહે. નાલબારી, જિ. બિકાનેર, રાજસ્‍થાન) તથા કમલ કિશોર પ્રેમરામ મારુ (રહે. બિકાનેર, રાજસ્‍થાન) ની ધરપકડ કરી હતી જયારે રમેશ લખમારામ જાટ (રહે. બાડમેર - મુખ્‍ય સપ્‍લાયર), બલવીર સોહનદાસ જાટ (રહે. હનુમાનગઢ, રાજસ્‍થાન), જબ્‍બાર બિશ્નોઈ (રહે. સાંચોર, રાજસ્‍થાન), સામખીયાળી ખાતે દારૂ રિસીવ કરનાર અજાણ્‍યો શખ્‍સ, ભટીંડા (પંજાબ) થી ટ્રક લઈ જનાર અજાણ્‍યો શખ્‍સ તથા ભટીંડામાં દારૂ ભરેલી ટ્રક હેન્‍ડઓવર કરનાર અજાણ્‍યો શખ્‍સ સામે ગુન્‍હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.(૬.૧૦)

(1:18 PM IST)