<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

પોરબંદરના મોઢવાડાની સીમમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ ૯૦૦ લીટર આથો ઝડપાયો

દારૂની ભઠ્ઠી ચલાવનારા ૨ આરોપી હાજર મળ્‍યાં નહીં: ભઠ્ઠીના સાધનો સહિત રૂા.૨૪૩૨૦નો મુદ્દામાલ જપ્‍ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૦: મોઢવાડાની નાખડી સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર બગવદરની પોલીસ ટીમે દરોડો પાડીને ૯૦૦ લીટર આથો ઝડપી લીધો હતો. આ દરોડા દરમ્‍યાન દારૂની ભઠ્ઠી ચલાવનારા અર્જુન રાણાભાઈ અને રાણા ભીમાભાઈ બંને હાજર મળ્‍યા નહોતા.

પોરબંદર ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ. આર.જી.ચુડાસમા તથા સર્વેલન્‍સ સ્‍ટાફે પેટ્રોલીંગ દરમ્‍યાન બાતમી આધારે મોઢવાડા ગામની નાખડી સીમમાં રહેતા અર્જુન રાણાભાઇ મોઢવાડીયા તથા રાણાભાઇ ભીમાભાઈ મોઢવાડીયા નાખડી સીમમા પોતાના કબ્‍જા ભોગવટાનો જુના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી પકડી લીધી હતી. આ દારૂ દરોડામાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૯૦૦ તથા આથાની વાસવાળા પ્‍લાસ્‍ટીકના બેરલ નંગ-૦૩ તથા પ્‍લાસ્‍ટીકના કેરબા નંગ-૦૩ તથા પતરાના ડબ્‍બા નંગ-૨ મળી કુલ કિ.રૂ.૨૪,૩૨૦/ નો મુદામાલ મળી આવેલ હતા. દરોડા દરમ્‍યાન હાજર નહી મળી આવેલા આરોપી આ (૧) અર્જુન રાણાભાઈ મોઢવાડીયા તથા (૨) રાણા ભીમાભાઈ મોઢવાડીયા બંને સામે ગુન્‍હો નોંધ્‍યો છે.

દારૂની ભઠ્ઠી ઉપર દરોડાની કામગીરી પોલીસ સબ ઇન્‍સ.શ્રી આર.જી.ચુડાસમા સાહેબ તથા સર્વેલન્‍સ સ્‍ટાફના એ.એસ.આઇ. એચ.ડી.સીસોદીયા તથા પો.હેડ.કોન્‍સ. ડી.આર.સીસોદીયા તથા પો.કોન્‍સ. હીતેષ જશરાજભાઇ ઘુઘલીયા વિગેરે દ્રારા કરવામા આવેલ છે. 

 

(12:02 PM IST)