<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

જામનગરના ધરાનગર-૧ વિસ્તારમાં કોલેરાના ૩ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દ્વારા રોગચાળા ગ્રસ્ત જાહેર : કલેક્ટર કે. બી. ઠક્કરે ૨ કિમીની ત્રિજ્યાને ભયગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક અસરથી પ્રતિબંધો લાદ્યા

બંદર રોડ આરોગ્ય કેન્દ્ર હેઠળના પ્રભાવિત વિસ્તારમાં એપેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ લાગુ : નાયબ કમિશનરને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિયુક્ત કરી તમામ સત્તાઓ એનાયત કરવામાં આવી

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. 10 : જામનગર શહેરમાં કોલેરાના કેસ સામે આવતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મોકલવામાં આવેલી દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઠક્કર (આઈ.એ.એસ.) દ્વારા ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કોલેરાના કેસ અને અસરગ્રસ્ત વિસ્તારો
બંદર રોડ આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ધરાનગર-૧ વિસ્તારમાં કોલેરા પોઝિટિવના કુલ ૩ કેસ મળી આવ્યા છે. આ જીવલેણ રોગનો ફેલાવો વધુ ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે:
 * રોગ ગ્રસ્ત વિસ્તાર: ધરાનગર-૧ ના વિસ્તારને સત્તાવાર રીતે 'કોલેરા રોગ ગ્રસ્ત વિસ્તાર' જાહેર કરવામાં આવ્યો છે.
 * ભયગ્રસ્ત વિસ્તાર: ધરાનગર-૧ ના આસપાસના ૨ કિમી સુધીના વિસ્તારને 'કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
વહીવટી પગલાં અને કાયદાકીય કાર્યવાહી
કોલેરા નિયંત્રણ માટે એપેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ (મરકી રોગ અધિનિયમ) ની કલમ-૨ અને ૩ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નીચે મુજબના આદેશો આપવામાં આવ્યા છે:
 * જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનરને 'કોલેરા નિયંત્રણ અધિકારી' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને નિયંત્રણ હેઠળની તમામ સત્તાઓ એનાયત કરવામાં આવી છે.
 * મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે અને સાવચેતી જળવાય.
આ જાહેરનામું હાલ તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવ્યું છે.

(10:09 AM IST)