તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th February 2026
જામનગરના ધરારનગરમાં રોગચાળો વકર્યો : ઝાડા-ઉલટીના કેસોમાં મોટો વધારો :સ્થાનિક રહીશોનો તંત્ર સામે ભારે રોષ
પરિસ્થિતિની ગંભીરતાને જોતા મનપાની ટેકનિકલ ટીમે વિસ્તારની મુખ્ય પાણીની લાઈનો અને ગટરની પાઈપલાઈનોની ચકાસણી હાથ ધરી

જામનગરના વોર્ડ નંબર 1 માં આવેલા ધરારનગર વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીના અભાવે ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. અચાનક ઝાડા-ઉલટીના કેસોમાં મોટો ઉછાળો આવતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે આ સમસ્યા ઉદ્ભવી હોવાની આશંકાને પગલે મહાનગરપાલિકાની આરોગ્ય અને એન્જિનિયરિંગ ટીમ દોડતી થઈ ગઈ છે.
શહેરના વોર્ડ નંબર 1 ના ધરારનગર વિસ્તારમાં ગઈકાલે અચાનક મોટી સંખ્યામાં લોકોને ઝાડા-ઉલટીની અસર થતા મેડિકલ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ મામલે જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર અને આરોગ્ય અધિકારી સહિતનો ઉચ્ચ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તંત્રની ટીમે વિસ્તારમાં ઘરે-ઘરે જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને બીમાર લોકોની વિગતો મેળવી જરૂરી પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરાવી હતી. આ રોગચાળા પાછળ મનપા દ્વારા વિતરણ કરવામાં આવતું ગંદુ પાણી હોવાનો સ્થાનિકોએ સીધો આક્ષેપ કર્યો છે. રહીશોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી નળમાં અત્યંત દુર્ગંધયુક્ત અને કાળુ પાણી આવી રહ્યું હતું. આ પ્રદૂષિત પાણી પીવાના કારણે જ બાળકો અને વૃદ્ધો સહિતના લોકો બીમાર પડ્યા હોવાની શંકા દ્રઢ બની છે. તંત્ર દ્વારા સ્થાનિકોના નિવેદનો લેવામાં આવ્યા છે, જેમાં લોકોએ પોતાની હાલાકી વર્ણવી હતી અને ગંદા પાણીની સમસ્યા અંગે અગાઉ કરેલી રજૂઆતો છતાં પગલાં ન લેવાયા હોવાનું જણાવ્યું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા મનપાની ટેકનિકલ ટીમે વિસ્તારની મુખ્ય પાણીની લાઈનો અને ગટરની પાઈપલાઈનોની ચકાસણી હાથ ધરી છે. ક્યાંક ગટરનું પાણી પીવાની લાઈનમાં ભળી રહ્યું છે કે કેમ તે જાણવા માટે ખોદકામ અને જોડાણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના વિવિધ સ્ત્રોતોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા છે. રીપોર્ટ આવ્યા બાદ પ્રદૂષણનું સાચું કારણ જાણી શકાશે. હાલ પૂરતું અસરગ્રસ્ત વિસ્તારમાં ક્લોરીનયુક્ત પાણી પૂરું પાડવા અને લોકોને ઉકાળીને પાણી પીવા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્યની ટીમ દ્વારા વિસ્તારમાં સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે જેથી નવા કેસોને તાત્કાલિક શોધી શકાય. જામનગર મનપાએ ખાતરી આપી છે કે જ્યાં સુધી પાણીનું પ્રદૂષણ દૂર નહીં થાય ત્યાં સુધી ટેન્કરો દ્વારા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવશે અને આ બેદરકારી પાછળ જવાબદારો સામે તપાસ કરવામાં આવશે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
