<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ચોટીલામાં નાયબ કલેક્ટરની ખનિજ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: પાંજવાળીની લીઝ પર દરોડો પાડી ₹2.85 કરોડની મશીનરી અને સિલિકા સેન્ડનો જથ્થો સીઝ

‘જય ચામુંડા’ લીઝમાં નિયમોના ધજાગરા ઉડાવી સરકારી જમીન પર ગેરકાયદે કબજો અને કચરો ઠાલવવાનું કૌભાંડ ઝડપાયું; હિટાચી અને એમ-સેન્ડ પ્લાન્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગે આદરી કડક કાર્યવાહી

સુરેન્દ્રનગર: ઝાલાવાડની ધરતી પર ગેરકાયદે ખનિજ ચોરી કરતા તત્વો સામે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે બાતમીના આધારે પાંજવાળી ગામની સીમમાં કાર્યરત 'જય ચામુંડા' નામની લીઝ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં તંત્રએ માત્ર કાગળ પરની અનિયમિતતાઓ જ નહીં, પરંતુ મેદાન પર ચાલતી ખુલ્લી લૂંટ પણ પકડી પાડી છે. તપાસ દરમિયાન ₹2.85 કરોડની કિંમતના અત્યાધુનિક મશીનો અને વાહનો જપ્ત કરવામાં આવતા ખનિજ માફિયાઓના મનસુબા પર પાણી ફરી વળ્યું છે.

દરોડા દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે લીઝધારક સંદીપકુમાર પરમારે માત્ર પોતાની હદમાં જ નહીં, પણ બાજુમાં આવેલી સર્વે નંબર 152ની સરકારી જમીન પર પણ કાળી નજર બગાડી હતી. આ સરકારી જમીનનો ઉપયોગ લીઝધારક દ્વારા દૂષિત પાણી અને પ્રોસેસિંગનો કચરો ઠાલવવા માટે કરવામાં આવતો હતો, જે પર્યાવરણ માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યો હતો. તંત્રએ સ્થળ પરથી બે એમ-સેન્ડ ક્રશર પ્લાન્ટ, હિટાચી મશીન, જેસીબી, લોડર અને અંદાજે 100 મેટ્રિક ટન જેટલો કિંમતી સિલિકા સેન્ડનો જથ્થો કબજે કર્યો છે.

ખાણ-ખનિજ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લીઝધારકે રોયલ્ટી ચોરીની સાથે સાથે સરકારી જમીન પર અનધિકૃત કબજો જમાવીને રાજ્યની તિજોરીને મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં તમામ મશીનરીને સીઝ કરીને પોલીસ બંદોબસ્ત હેઠળ મૂકી દેવામાં આવી છે. ભૂસ્તર વિજ્ઞાન વિભાગ દ્વારા સ્થળ પર માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના આધારે લીઝધારક પર કેટલા કરોડનો દંડ ફટકારવો તેનો આખરી નિર્ણય લેવામાં આવશે. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ડર વગર ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે.

આગામી દિવસોમાં આ લીઝને કાયમી ધોરણે રદ કરવા માટેની દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા કલેક્ટરના કડક વલણ બાદ નાયબ કલેક્ટરની આ આકસ્મિક કાર્યવાહીએ એ સાબિત કરી દીધું છે કે સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા ખનિજ માફિયાઓને હવે છોડવામાં આવશે નહીં. સ્થાનિક ગ્રામજનોએ પણ તંત્રની આ કામગીરીને વધાવી લીધી છે, કારણ કે ગેરકાયદે ખનિજ ચોરીને કારણે આસપાસના રસ્તાઓ અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું હતું.

 

(11:08 AM IST)