<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th February 2026

ગંગાસ્વરૂપા સહાય યોજનાના નિયમોમાં ફેરફાર: હવે સહાય સીધી આધાર લિંક્ડ ખાતામાં જમા થશે

જૂના પોસ્ટ ઓફિસ બચત ખાતા ધરાવતી મહિલાઓએ તાત્કાલિક IPPB અથવા રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતું ટ્રાન્સફર કરાવવું અનિવાર્ય

જામનગર :જામનગર જિલ્લાના તમામ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી બહેનો માટે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગંગાસ્વરૂપા સહાયની પદ્ધતિમાં ફેબ્રુઆરી માસથી ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સહાય અગાઉની જેમ પોસ્ટ ઓફિસના બચત ખાતા એટલે કે ચોપડી વાળા ખાતામાં જમા નહીં થાય, પરંતુ તેના બદલે લાભાર્થીના જે તે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તેવા જ ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

આ ફેરફારને ધ્યાને લેતા જામનગર જિલ્લાના જે લાભાર્થી બહેનો પાસે હાલમાં માત્ર ચોપડી વાળું પોસ્ટ ઓફિસ બચત ખાતું છે, તેઓએ તે ખાતું તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) એટલે કે કાર્ડ વાળા ખાતામાં અથવા અન્ય કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવું ફરજિયાત રહેશે. જે લાભાર્થી બહેનો પાસે હજુ સુધી પોસ્ટ પેમેન્ટ બેંકનું ખાતું નથી, તેમણે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી નવું ખાતું ખોલાવી લેવું જોઈએ. આ ઉપરાંત, જે બહેનો પાસે પહેલેથી જ કાર્ડ વાળું ખાતું ઉપલબ્ધ છે, તેમણે પણ પોતાની પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને આધાર કાર્ડ ખાતા સાથે યોગ્ય રીતે લિંક થયેલું છે કે નહીં તેની ખાતરી કરી લેવી જરૂરી છે.
જો સમયસર આધાર કાર્ડ લિંક કરવામાં નહીં આવે અથવા ખાતું IPPBમાં ટ્રાન્સફર કરવામાં નહીં આવે તો સહાય મેળવવામાં મુશ્કેલી કે વિલંબ થઈ શકે છે. આથી, યોજનાનો લાભ અટક્યા વગર સતત મળતો રહે તે માટે જિલ્લાના તમામ લાભાર્થી બહેનોને વહેલી તકે આ જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:57 AM IST)