News of Thursday, 5th February 2026
કોડીનારઃ પ્રેમ પ્રકરણના કારણે સગીરાની હત્યાના કેસમાં પકડાયેલ પ્રેમીને આજીવન કેદ ફટકારતી કોર્ટ
પુરાવાનો નાશ કરવા અંગે પિતાને પાંચ વર્ષની સજાઃ પ્રેમિકાને શંકાનો લાભ

કોડીનાર તા.૫ કોડીનારના ચકચારી વિમાંશી ઠકરાર હત્યા કેસમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ અતુલકુમાર આર. પટેલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી કશ્યપ વિજયભાઈ પુરોહિતને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના પિતાને ૫ વર્ષની કેદની સજા સંભળાવી છે. ઘટનાની વિગત મુજબ વર્ષ ૨૦૧૮માં આરોપી કશ્યપ પુરોહિત સાથે પ્રેમ સંબંધ હોય તેવો બંને અવારનવાર મળતા હતા એ દરમિયાન કશ્યપને ધરતી નામની યુવતી સાથે પ્રેમ સંબંધ થતા વીમાંશી અને કશ્યપ સાથે ઝઘડો થતો હતો જેથી ગત તારીખ ૫-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રિના સમયે વીમાંશી એ કશ્યપને મળવા બોલાવેલો અને તેને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ તોડી નાખવા જણાવતા કશ્ય તેને ના પાડી હતી. બાદ ધરતી નામની યુવતી ત્યાં આવી જતા બોલાચાલી થતા ત્રણેય જણા મોટરસાયકલ માં બેસીને કોડીનારના બાયપાસ પાસે અવાવરુનું જગ્યાએ ગયેલા જ્યાં બોલાચાલી દરમિયાન કશ્યપે વીમાંશી ઉપર ઉપરા છાપરી છરી ના ઘા મારી તેની હત્યા કરી હતી અને ઘરે જતા તેના પિતાને હત્યાની વાત કરી હતી આ ગુનામાં આરોપીના પિતા વિજયભાઈ પુરોહિતે લોહીવાળા કપડાં સળગાવવામાં અને ગુનામાં વપરાયેલ છરી તથા મોબાઈલનો નિકાલ કરવામાં મદદ કરી હોવાનું સાબિત થયું હતું.જેથી પોલીસે કશ્યપના પિતાની પણ ધરપકડ કરી હતી
બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે આરોપી નં-૧ કશ્યપ પુરોહિત ને આઈ.પી.સી કલમ ૩૦૨ (હત્યા) હેઠળ આજીવન કેદ અને રૂા. ૨૦,૦૦૦નો દંડ. જ્યારે આરોપી નં-૩ કશ્યપ ના પિતા વિજયભાઈ પુરોહિત ને આઈ.પી.સી કલમ ૨૦૧ (પુરાવાનો નાશ) હેઠળ ૫ વર્ષની સખત કેદ અને રૂા. ૧૦,૦૦૦નો દંડ તથા આરોપી નં-૨ ધરતીબેન ઉપાધ્યાય ને અદાલતે તેમને શંકાનો લાભ આપી તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે પી.પી. વકીલ એમ.કે. ગોહેલે દલીલો કરી હતી. ૭ વર્ષ જૂના આ કેસમાં અંતે પીડિત પરિવારને ન્યાય મળતા સમગ્ર પંથકમાં ચુકાદાની ચર્ચા થઈ રહી છે
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
