News of Wednesday, 4th February 2026
મોરબીના પાડા પુલનું તાત્કાલિક સમારકામ કરાવવા સામાજિક કાર્યકરોની માંગ.
પુલનું મરામત કામ તાત્કાલિક પૂર્ણ કરવા અને વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા કલેક્ટરને રજૂઆત: કાર્યવાહી ન થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરની જીવાદોરી સમાન અને મુખ્ય માર્ગ પર આવેલો પાડા પુલ હાલ અત્યંત બિસ્માર અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બાબતે શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયા સહિતના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, એક મહિના અગાઉ પુલનું સમારકામ શરૂ કરાયું હતું, જે તિરાડો ખોદીને રાખી છે, એક મહિનાનો સમય વીત્યા છતાં હજુ કોઈ કામગીરી કરવામાં ન આવતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ડાયવર્ઝન આપવા માંગ અને આંદોલનની ચીમકી.
સામાજિક કાર્યકરોએ માંગ કરી છે કે, જનહિતમાં પાડા પુલ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરી તેને મયુર પુલ અથવા નીચેના બેઠા પુલ પર ડાયવર્ટ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવે.જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામત કાર્ય પૂર્ણ કરવામાં નહીં આવે, તો સ્થાનિક નાગરિકો અને કાર્યકરો દ્વારા 'રસ્તા રોકો આંદોલન’ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેની સંપૂર્ણ જવાબદારી મોરબી મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની રહેશે તેવું આવેદનમાં સ્પષ્ટ જણાવાયું છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
