News of Wednesday, 4th February 2026
ભાવનગરમાં નજીવી બાબતે છરીનો ઘા મારી યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીને આજીવન કેદની સજા

(મેઘનાવિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ તા. ૪, ભાવનગર શહેરના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા શખ્સે ઘર પાસે બાઇક લઇ હોર્ન વગાડવા તેમજ દિકરી સામે જોવા બાબતે થયેલા લડાઈ ઝઘડામાં ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવ ના આરોપી સામે હત્યાનો ગુનો સાબીત માની ભાવનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
આ બનાવની વિગતો મુજબ આ કામના આરોપી પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા સદરહું બનાવના ફરીયાદીના ઘરની સામે મોટર સાઇકલ લઈને નીકળતો ત્યારે ફરીયાદના ઘર સામે જોઈ મોટર સાઇક્લના હોર્ન મારતો હોય અને ફરીયાદીને જુવાન દિકરીઓ હોવાથી ફરીયાદીએ આ બાબતે આરોપીને ઠપકો આપતા ફરીયાદી તથા આરોપી વચ્ચે બોલાચાલી થયેલ અને પછી ઘરમેળે સમાધાન થઈ ગયેલ હતું.
ત્યારબાદ આરોપી પ્રકાશ ઉર્ફે પકો આ વાતની દાઝ રાખી ગઈ તા. ૨૬/૨/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યે ફરીયાદીના ઘરની પાસે જઈ ફરીયાદ તથા તેમના ઘરના સભ્યોને ગાળો દેવા લાગતા આ કામના ફરીયાદીના પત્નિ સાહેદ જયાબેન ઘર માંથી બહાર આવતા આરોપીએ તેને પાટુ મારતા તેઓ પડી જતા આ કામના ફરીયાદી તથા ફરીયાદીના મોટા દિકરા મરણજનાર કીશનભાઈ તથા ફરીયાદીનો નાનો દિકરો સાહેદ જતીન તથા દિકરી માયાબેન દોડીને શેરીમાં જતા આરોપી તેના હાથમાં ખુલ્લી છરી રાખી ગાળો દેતો હોય જેથી ફરીયાદી તથા સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આરોપી પ્રકાશ ઉર્ફે પકો એ તેના હાથમાં રહેલ છરીનો એક ઘા ફરીયાદીના દિકરા કીશનભાઈ ઉ.વ.૧૮ ને પેટમાં ભાગે મારી દેતા અને જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા કિશનભાઈને સારવાર અર્થે ભાવનગરની સરકારી સર.ટી. હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન કિશનભાઈનું મોત નિપજતા આ મારા મારી નો બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
આ બનાવ અંગે બદાભાઈ ઉર્ફે હીરાભાઈ ભીમાભાઈ મકવાણા રહે. ઇન્દીરાનગર એ વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા સામે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો આ અંગેનો કેસ ભાવનગર ના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ એચ.એસ.મુલીયા ની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિકયુટર મનોજ આર. જોશીની અસરકારક દલીલો, દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને રાખી આરોપી પ્રકાશ ઉર્ફે પકો કાનજીભાઈ બોરીચા સામે ગુનો સાબીત માની આરોપીને કસુરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા અને રોકડા રૂપીયા ૨૫,૦૦૦/- નો દંડ અદાલતે ફટકાર્યો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
