તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
જેતલસર (જંકશન)માં રેલ્વે મુદ્દે આંદોલનકારીઓને ડો. મનસુખભાઇ માંડવીયાએ દિલ્હી બોલાવતા આંદોલનના અંતની શકયતા
ઉપવાસ આંદોલનના આઠ દિવસ થવા છતાં નિરાકરણ ન આવતા લોકરોષ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૩: તાલુકાના જેતલસર જંકશન ગામે ગ્રામજનો, વેપારીઓ તેમજ રેલ્વેના પૂર્વ કર્મચારીઓ રેલ્વે સામે પોતાની વિવિધ માંગણીઓને લઈને ચલાવી રહેલ ઉપવાસ આંદોલનના સાતમા દિવસે ગઈ કાલે વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી ગામ બંધ રાખ્યું હતું. તેમજ ઓટો રીક્ષા એસોસિએશન અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા અને તમામે રેલ્વે ઓથોરિટી સામે સુત્રોચાર કરી એક રેલી કાઢી હતી. બીજીબાજુ પોરબંદર સાંસદે આંદોલનકારીઓની માંગણીઓ લઈને દિલ્હી બોલાવતા ઉપવાસીઓનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયું છે. હવે માંગણીઓ સ્વીકારાય જશે તેવી લોકો આશા સેવી રહ્યા છે.
જેતલસર જંકશન ગામે એક સમયે ભવ્ય ભૂતકાળ ધરાવતું જંકશન હતું. જેમાં ૨૫૦૦ જેટલા રેલ્વે કર્મચારીઓ તેમજ તેઓને રહેવાના ૯૭૦ જેટલા ક્વાર્ટર હતાં. ત્યારે ૧૯ હજાર જેટલી ગામની વસ્તી હતી. અને આખું ગામ હર્યુંભર્યું હતું. એટલે કે સાચું ભારત ગામડામાં જ વસ્યું હોવાનું સૂત્ર અહીં યથાર્થ લાગતું હતું. પરંતુ છેલ્લા દસેક વર્ષથી ભાવનગર રેલ્વે ડિવિઝનના અધિકારીઓના રાગદ્વેષને કારણે અહીંના મોટા ભાગના વિભાગો જેવાકે, બ્રેકડાઉન, લોકોલોબી, તેમજ ૧૮ રેલ્વે લાઈનમાંથી ૧૩ જેટલી કરી નાખી મોટા ભાગના કર્મચારીઓની વેરાવળ, રાજકોટ, પોરબંદર વગેરે જગ્યાએ બદલી કરી નાખી એટલે કે ગામ ભાંગવાનું ષડયંત્ર કર્યું.
એક સમયે ૨૫૦૦ જેટલા કર્મચારીઓ અને અત્યારે માંડ માંડ ૨૫૦ થી ૩૦૦ જેટલા જ કર્મચારી વધ્યા હોય તેની સીધી અસર ગામના વેપાર ધંધા પર પડી છે. અહીં આખું ગામ જ રેલ્વે સ્ટેશન પર ચાલતું તે હવે બેરોજગાર થવા લાગ્યા. જેતલસર જંકશન ગામ રેલ્વેને કારણે વસ્યું હતું તે ગામ રેલ્વે કર્મચારીઓ વગર વેરાન થઈ ગયું અને ધંધા રોજગાર પડી ભાંગતા અહીં રહેતા લોકોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. જેથી અહીં વસી ગયેલ રેલ્વેના પૂર્વ કર્મચારીઓ, વેપારીઓ તેમજ ગ્રામજનો લોકો લોબી પાછી લાઓ, બ્રેક ડાઉન પોરબંદરથી અહીં પરત લાવો અહીં રેલ્વે પાસે લગભગ ૧૦ લાખ ચોરસ મીટર વિશાળ જગ્યા ઉપલબ્ધ છે તે જગ્યામાં ગુડ્સ યાર્ડ, વોશિંગઘાટ, ડીઝલ સેડ વગેરે બનાવી જંકશનનો વિકાસ કરો જેવી માંગણી સાથેના અનેક આવેદનપત્રો આપ્યા બાદ છેલ્લા સાત દિવસથી જંકશન સામે જેતલસર જંકશન રેલ્વે બચાવ સમિતિના બેનર હેઠળ અચોક્કસ મુદતનું આંદોલન ચલાવી રહ્યા છે. જે આંદોલનને કારણે પોરબંદર સાંસદ મનસુખભાઇ માંડવીયાએ આંદોલનકારીઓનું એક -તિનિધિ મંડળને દિલ્હી બોલાવ્યું છે. બીજીબાજુ ઓટો રીક્ષા એસોસિએશન અને વિદ્યાર્થીઓ પણ ઉપવાસી છાવણીમાં બેઠા હતાં. અને ગ્રામજનોએ ગામમાં એક રેલી કાઢી હતી જેમાં પોતાની માંગણી પુરી કરવા અનુસંધાને સુત્રોચાર કર્યો હતો
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
