<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

CISF દ્વારા આયોજિત 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન' રેલીનું જામનગર જીલ્લાના જોડિયા હુન્નરશાળા ખાતે ભવ્ય સ્વાગત કરાયું

સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે ભવ્ય સ્વાગત-જમણવાર : વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશના જવાનોની સેવાને બિરદાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : સાયકલોથોનના માધ્યમથી CISF ૬૫ યુવાઓ કચ્છના લખપતથી કેરળના કોચીન સુધીની ૩૫૦૦ કિ.મી.ની યાત્રા થકી તટીય સુરક્ષાનો સંદેશ ફેલાવી રહ્યા છે, જેનું આગમન જોડિયા ખાતે થતા સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે ભવ્ય સ્વાગત, જમણવાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના ગીતોના સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા દેશના જવાનોની સેવાને બિરદાવી હતી. 

દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયા ખાતે આવી પહોંચતા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા ખાતે તેનું કુમકુમ અક્ષત વડે અને ત્યારબાદ બેન્ડ અને ફુલોના અભિષેકથી વિદ્યાર્થિની બાળાઓએ હર્ષભેર ભવ્ય સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ, આ વીર જવાનો અને બાળાઓએ હુન્નરશાળામાં કાઠિયાવાડી ભોજન લીધુ હતું.

પટેલ સમાજ ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ દ્વારા ચાર કૃતિઓ અને CISF ના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી.

હુન્નર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ગીતો ઉપરના સાંસ્કૃતિક કાર્યક્રમ અને સહકાર માટે સી.આઈ.એસ.એફ. ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સંદીપ ચક્રવર્તી અને પ્રાંત અધિકારી  સ્વપ્નિલ સિસલે દ્વારા સંસ્થાના ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયાનું તેમજ સંસ્થાના વ્યાયામ શિક્ષિકા મમતાબેન જોશીનું અને ટીમનું સન્માન કરવામાં આવ્યુ હતું. વિદ્યાર્થીનીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી અન્ય રાજ્યમાંથી આવેલ આ શૂરવીર નવ જવાનોએ ખુશ થઈ વિદ્યાર્થીની બહેનોને શુભેચ્છાઓ આપી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, મામલતદાર શ્રી મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાના ટ્રસ્ટીઓ  પાર્થભાઈ સુખપરિયા, શ્રી પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્મા સહિતના અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સેવાને વરેલી આ સંસ્થાની શાળા અને હોસ્ટેલમાં અભ્યાસની સાથે અનેક સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓ કરે છે. શ્રીમતી યુપીવી કન્યાવિદ્યાલય સ્કાઉટ ગાઈડ, એન. એસ. એસ., એસ. પી. સી., ઇકો કલબ વગેરે જેવી અનેક ઈતર પ્રવૃત્તિઓમાં અગ્રેસર હોય છે. સાથે-સાથે હુન્નરશાળામાં મહિલા ઉત્કર્ષ, સમાજ સેવા, સાહિત્ય પરિષદ, વિશેષ દિવસની ઉજવણી અને તહેવાર નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી વિદ્યાર્થિનીઓમાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે

(3:50 PM IST)