News of Monday, 2nd February 2026
ટંકારા તાલુકામાં ૩૦૦ ટ્રેકટર સાથે ખેડૂતોની કૂચઃ વિજ લાઈન સામે આક્રોશ
ભારતીય કિશાન યુનિયનમાં અધ્યક્ષ રાકેશ ટિકૈત પણ જરૂર પડયે ટેકો આપશેઃ મહેશ રાજકોટિયાની ન્યાયની માંગ : પાલ આંબલીયા, જીજ્ઞેશ મેવાણી, જયેશ પટેલ, લાલજી દેસાઈ, કિશોર ચિખલીયા સહિતના ઉપસ્થિત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨: તાલુકાના ખેડૂતો ૭૬૫ કેવી હાઈ વોલ્ટેજ વીજ ટ્રાન્સમિશન લાઈન સામે આક્રોશમાં ઉતર્યા છે. આ લાઈન અનેક ગામોના ખેતરોમાંથી પસાર થતી હોવાથી ખેડૂતોને ખેતી અને જમીનને ભારે નુકસાન થવાની ચિંતા છે.
ખેડૂતોએ રૂષિ ભૂમિ ટંકારાથી ૩૦૦થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી કૂચ શરૂ કરી હતી. આ કૂચ લતીપર ચોકડી ખાતે આવેલા પાર્ટી પ્લોટ પરથી જય જવાન જય કિસાનના નારા સાથે શરૂ થઈ અને બપોર સુધીમાં મોરબી કલેક્ટર કચેરી પહોંચી. ત્યાં ખેડૂતોએ મોટું આવેદન પત્ર સુપરત કર્યું.ખેડૂતોના મુખ્ય આક્ષેપોમાં કંપની દ્વારા ટાવર બેઝ અને લાઈન પસાર થતા વિસ્તાર માટે અપૂરતું વળતર, લાઈનને વાંકીચૂકી રીતે લઈ જવાથી વધુ જમીનનું નુકસાન અને ખેતીમાં અવરોધનો સમાવેશ થાય છે.
તેઓ તાત્કાલિક વળતર, નિયમિત ભાડું (રેન્ટ) અને જરૂરી હોય તો રૂટમાં ફેરફારની માગણી કરે છે.વહીવટી તંત્ર અને કલેક્ટર કચેરી પર પણ ગંભીર આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે કે તેઓ કંપનીની તરફેણમાં વર્તે છે અને ખેડૂતોની ફરિયાદોને અવગણે છે. ખેડૂતો આ વર્તનને હુકમી અને જી હજુરીયા ગણાવે છે.આ લડતમાં ખેડૂત અગ્રણીઓ જેમ કે મહેશ રાજકોટિયા, પાલ આંબલિયા, જયેશ પટેલ, લાલજી દેસાઈ, કિશોર ચિખલિયા સહિત અનેક ગણમાન્ય નેતાઓએ ખભે ખભો મિલાવીને સહયોગ આપ્યો છે.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અન્ય નેતાઓ પણ સભા સ્થળે પહોંચ્યા હતા. ટંકારા તાલુકાના તમામ ગામોના ખેડૂતો એકજૂટ થયા છે અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ જોડાયા છે. આ વિરોધ હવે સ્થાનિક સ્તરેથી રાષ્ટ્રીય ખેડૂત આંદોલન સાથે જોડાઈ ગયો છે.ખાસ વાત એ છે કે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ રાકેશ ટિકૈત સુધી આ મુદ્દો પહોંચ્યો છે. મહેશ રાજકોટિયાએ રાકેશ ટિકૈત સાથે ટેલીફોનિક વાતચીત કરી સમસ્યાઓ જણાવી હતી. રાકેશ ટિકૈતે જરૂર પડે સાથ-સહકાર આપવાની ખાતરી આપી છે, જેનાથી લડતને રાજ્યની સીમાઓ વટીને રાષ્ટ્રીય સ્તરે મજબૂતી મળી છે.ખેડૂતોનું કહેવું છે કે હક્ક અને હિતના પ્રશ્ને તેઓ છેલ્લે સુધી લડશે. આ વિરોધને નવો જોશ મળ્યો છે અને તેઓ આંદોલનને વધુ આક્રમક બનાવવા તૈયાર છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
