તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st January 2026
પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ કામગીરી સામે અસંતોષ વ્યકત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ
મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ છતાં નાગરિકોની સુવિધા વિકાસ અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષા પૂર્ણ થતી નથીઃ ચેતનાબેન તિવારી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત : પ્રજાના હિતમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેને પ્રજાના હિતમાં મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરેલી રજુઆતે સ્થાનીક રાજકારણમાં ચર્ચા જગાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૩૧: નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છતા નાગરિકોની સુવિધા, વિકાસ અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષા પૂર્ણ થતી નથી તેવું જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજુઆતમાં જણાવી મહાનગરપાલિકા દ્વારા થતી શહેરની વિકાસ કામગીરી સામે અસંતોષ વ્યકત કર્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવેલ છે કે, નગરપાલિકા મહાનગરપાલિકા તરીકે અમલમાં આવી તેને એક વર્ષ પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અમલમાં આવ્યા પછીના આ એક વર્ષના સમયગાળા દરમિયાન નાગરિકોને જે વિકાસ, સુવિધાઓ અને સુવ્યવસ્થિત વહીવટની અપેક્ષા હતી તે પૂર્ણ થતી હોવાનું સ્પષ્ટપણે દેખાતું નથી.
આઠ માસથી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કમિશનરશ્રી સાથે યોગ્ય સંકલન સ્થાપિત કરવા માટે અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી, બેઠકો માટે પ્રયત્નો કરવામાં આવ્યા તથા શહેરના જનહિતના પ્રશ્નો સ્પષ્ટપણે ધ્યાનમાં મૂકવામાં આવ્યા હોવા છતાં કોઈપણ પ્રકારનું સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયું નથી. તમામ પ્રયાસો નિષ્ફળ જતા અંતે આ મુદ્દે આપશ્રી સમક્ષ સીધી રજૂઆત કરવાની ફરજ પડી છે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેને મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવેલ છે.
મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવેલ કે, ગંભીર બાબત એ છે કે જ્યારે અમારા દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવે અથવા શહેરના કોઈપણ જનપ્રશ્ન અંગે ધ્યાન દોરવામાં આવે ત્યારે કમિશનરશ્રી દ્વારા માત્ર ‘જોઈ લઈશું' એવો ઔપચારિક અને બિનજવાબદાર જવાબ આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ વાસ્તવિક રીતે કોઈ કાર્યવાહી થતી નથી. પરિણામે પ્રશ્નો યથાવત રહે છે અને નાગરિકોમાં અસંતોષ સંતત વધતો જાય છે.
લોકો દ્વારા રજુઆત થયેલ જ્યારે પ્રશ્નોને લઈને અન્ય રાજકીય પક્ષો દ્વારા વિરોધ, રજૂઆત અથવા દબાણ કરવામાં આવે છે ત્યારે કમિશનરશ્રી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને તેના માટેનો સંપૂર્ણ જશ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા લેવામાં આવે છે-એવું ચિત્ર શહેરમાં સ્પષ્ટ રીતે ઉપસી રહ્યું છે. આ પ્રકારની દ્વિધા વહીવટી કાર્યશૈલી માત્ર ભાજપ સંગઠન અને લોકપ્રતિનિધિઓની અવગણના નથી, પરંતુ સત્તારૂઢ પક્ષની છબી, વિશ્વસનીયતા અને જનવિશ્વાસને ગંભીર રીતે નુકસાન પહોંચાડતી બાબત છે. તેમ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેને મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
