News of Wednesday, 21st January 2026
પૂર્વ કૃષિમંત્રી અને બિલ્ડરને સોશિયલ મીડિયામાં બદનામ કરનાર જામનગરનો વિશાલ કણસાગરા અને તેનો સાગરીત જેલહવાલે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૧: ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ અગ્રણી બિલ્ડર પિતા પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરા અને તેના એક સાગરીતને સાયબર પોલીસે ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લીધા હતા, જે મુદત પૂરી થતાં બંનેને જેલ ભેગા કરી દેવાયા છે.
બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની આ.ઇડી. ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં સૌ પ્રથમ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે અગાઉ પકડાયેલા આરોપી પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા માટે ભારતમાં આવીને જામનગર પહોંચ્યો હતો. તે દરમિયાન જામનગર સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો હતો, જેને અદાલત સમક્ષ રજુ કરી આઠ દિવસના રિમાન્ડ પર લીધો હતો.
પોલીસ દ્વારા તેના બે મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા હતા, પૂછપરછ દરમિયાન તેને જામનગર પંથકની તમામ માહિતી ધ્રોલમાં રહેતો રાજેન્દ્રસિંહ સોલંકી નામના સાગરીત પુરી પાડતો હોવાનું કબૂલ્યું હોવાથી પોલીસની ટીમે ધ્રોલના વતની રાજેન્દ્રસિંહ સોલંકીની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરી તેને પણ બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.
જે બંનેની રિમાન્ડની મુદત પૂરી થતાં ફરીથી અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, અને મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા અને તેના સાગરીત બંનેને જેલ હવાલે કરી દેવાયા છે. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ ચાર આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, અને તમામ જેલહવાલે થયા છે. તેઓના પાંચ મોબાઇલ ફોન કબજે કરી લેવાયા છે. જે તમામની કોલ ડીટેઇલ મેળવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
