News of Saturday, 10th January 2026
ધોરાજી પંથકમાં ભૂકંપના પગલે જૂની જર્જરિત ઇમારતો મકાન માલિકોએ જાતે તોડી પાડવા માટે પાલિકા દ્વારા નોટિસો અપાઈ
જૂની અને જર્જરીત ઈમારતો તોડવા માટે તંત્ર દ્વારા જ એકસરખી કાર્યવાહી તમામ આ પ્રકારની મિલકતો માટે કરવામાં આવે તો જેને લઈને મોટા અકસ્માતો પણ નિવારી શકાય.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી પંથકમાં ભૂકંપના પગલે જૂની જર્જરિત ઇમારતો મકાન માલિકોએ જાતે તોડી પાડવા માટે પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી છે ..
ધોરાજી વિસ્તારમાં તાજેતરમાં બે દિવસ દરમિયાન 10 થી વધારે ભૂકંપના ઝટકા અનુભવાતા ધોરાજી નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર રેડિયો માઈક ફેરવી ધોરાજી શહેરની જૂની અને જર્જરીત ઇમારતો થી દુર રહેવા તેમજ જૂની અને જર્જરીત ઇમારતો જે જોખમી પ્રકારની હોય તેવી ઇમારતો મિલકત ધારકે જાતે તોડી પાડવા માટે પણ સૂચના અપાઇ હતી આ ઉપરાંત ધોરાજી શહેરમાં આવેલ જૂની અને ખંઢેર સમાન ઇમારતો જોખમકારક હોય જેને લઇ જૂની ઇમારતો તોડી પાડવા માટે મકાન માલિકોને નોટિસ પણ પાઠવવા માં આવી હતી.
જોકે ધોરાજી નગરપાલિકા દ્વારા અગાઉ પણ જર્જરિત અને જોખમી ઇમારતો મકાન માલિક દ્વારા જ તોડી પાડવા માટે અંગેની સૂચનાઓ આપી હતી. પરંતુ નગરપાલિકાની સુચના કે નોટિસ ની જાણે કોઈ દરકાર ન હોય તેમ હાલમાં પણ જૂની અને જોખમી ઇમારતો જેમની તેમજ હાલતમાં પડી છે મિલકત ધારકોને પોતાની જર્જરિત ઈમારત તોડવામાં રસ ન હોય અથવા તો ધોરાજી નગરપાલિકા પણ માત્ર સૂચના આપીને સંતોષ માની લેતી હોય તેવું લાગી રહ્યું છે.
ધોરાજીમાં અનેક જૂની અને જર્જરીત ઇમારતો આવેલી છે અને વર્ષોથી ઘણા મકાનો બંધ હાલતમાં છે અને મકાન માલિકો વર્ષોથી અન્ય શહેરોમાં રહેતા હોય છે ત્યારે આવી અનેક બિલ્ડીંગ ધોરાજીમાં આવેલી છે અને છાશ વારે જર્જરિત ઇમારતોમાં કાટમાળ પડી જવાના ઘણા બનાવો બને છે ત્યારે તંત્ર માત્ર નોટિસ મારીને સંતોષ માની લે છે.
જ્યારે કુદરતી આફત વાવાઝોડું કે કોઈપણ પ્રકારની આગાહી હોય તેવા સમયે પાલિકા તંત્રને જર્જરિત ઇમારતો તોડી પાડવા માટે યાદ આવે છે આવી બિલ્ડીંગ માટે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી.
બીજી તરફ લોકોમાં વિરોધાભાસી એવો પણ ગણગણાટ ચાલી રહ્યો હતો કે જે જૂની ઇમારતોમાં વર્ષોથી ભાડુંઆત રહેતા હોય તેવા જુના ભાડુંઆતો દ્વારા મકાન ખાલી કરાતું ન હોવાથી ઘણી વખત મકાન ખાલી કરાવવાના બહાને મિલકત માલિકો દ્વારા નગરપાલિકાને પોતાની જર્જરિત ઇમારત તોડી પાડવા માટે મંજૂરી મેળવતા હોય છે જેથી ભાડુઆત નો કબજો પણ ખાલી થઈ જાય અને મકાન માલિકને પોતાની જમીન પર ફરીથી કબજો પણ મળી જાય.
આમ ધોરાજી શહેરમાં જૂની અને જર્જરીત ઈમારતો તોડવા માટે તંત્ર દ્વારા જ એકસરખી કાર્યવાહી તમામ આ પ્રકારની મિલકતો માટે કરવામાં આવે તો જેને લઈને મોટા અકસ્માતો પણ નિવારી શકાય.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
