<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ઉના પાસે રિસોર્ટમાં લાખોની ચોરીનો ભેદ ઉકેલાયોઃ કર્મચારી સહિત ૨ ઝડપાયા

 

(નવિન જોષી દ્વારા) ઉના, તા.૧૦: સીમ વિસ્‍તારમાં રિસોર્ટના બંધ રૂમમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ ચોરીમાં રિસોર્ટનો કર્મચારી રામચંદ્ર ચેતનગીરી અને તેની સાથે ભૈરવલાલ બંનેને પોલીસે પકડી લીધા છે.

હરમડિયા ગામની સીમમાં સિમ્‍બા રિસોર્ટ આવેલ છે તેમાં રિસોર્ટના માલિક બે દિવસ પોતાનો રૂમ બંધ કરી બહાર ગામ ગયા હતા, પરત આવતા તેમના રૂમના કબાટમાં કોઈ તસ્‍કરો એ રૂમના પાછલા ભાગની બારી સ્‍લાઇડર ખેસવી રૂમ અને મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૪,૫૦૦૦૦/ સોનાનો ચેન રૂપિયા ૩,૮૮,૦૦૦/ સોનાની કડી ૧૪૦૦૦/ ચાંદીની લક્કી ૧૬૫૦૦/ ની ચોરી કરી નાસી ગયા હતા અને આ અંગે ગીર ગઢડા પોલીસ સ્‍ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.

ગીર ગઢડા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એન. એ. વાઘેલા, પી. એસ. આઇ. પી. જી. જોશી એ. એસ. આઇ. ઉપેન્‍દ્રભાઈ બાંભણિયા, ધીરેન્‍દ્રસિંહ સિંધવ અને સ્‍ટાફ સાથે રિસોર્ટ ઉપર તપાસ કરતા આ રિસોર્ટમાં કામ કરતા પર પ્રાંતના કર્મચારી રામચંદ્ર ચેતન ગીરી પ્રજાપતિ રે.દાતલિયાં તાલુકો ધરીયાવદ જીલ્લો, પ્રતાપગઢ રાજ્‍ય રાજસ્‍થાન અને બીજો ભૈરવલાલ ઉર્ફે ભૈરવ અમરાજી રાવત રે.સરવણી તા.મોરીલા જિલ્લો સાલુબર ઉદેપુર રાજસ્‍થાન ઉપર શંકા જતા આગવી પૂછ પરછ કરતા તે ભાંગી પડ્‍યા હતા અને ચોરી કરેલ રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૮,૬૮,૪૦૦/ કબ્‍જે કરી ગીર ગઢડા પોલીસે ચોરીનો ભેદ ઉકેલી સફળતા મેળવી હતી.

અગાઉ પણ આ ગુનાનો આરોપી રામચંદ્ર પ્રજાપતિ આ રિસોર્ટના રૂમ નંબર ૧૦૨,૧૦૩ માં ઉતરેલ મુસાફરોનો કિંમતી સામાન ઘડિયાળ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૯૦૦૦૦/મુદામાલની ચોરી કરી હતી. તેને પોલીસે ગત ડિસેમ્‍બર મહિનામાં પકડી લીધો હતો.

(10:48 AM IST)