<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પોરબંદર જિલ્લામાં વિકાસ કામોમાં કોઇપણ બાંધછોડ નહી કરવા કુંવરજીભાઇની અધિકારીઓને સૂચના

કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લાની વિવિધ યોજનાના અમલીકરણની સમીક્ષા બેઠક મળી

પોરબંદરઃ તા. ૮,  જિલ્લાના પ્રભારી મંત્રી અને શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાની અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સ્‍તરીય વિકાસ કાર્ય અને વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે  સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમિયાન મંત્રીશ્રી કુંવરજીભાઇએ વિકાસલક્ષી કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તેવી કડક સૂચના આપી હતી. વન વિસ્‍તારના આસપાસ વસતા નાગરિકોની સલામતીને ધ્‍યાનમાં રાખીને વન વિભાગે એવરનેસ પ્રોગ્રામો વધુ સક્રિય રીતે હાથ ધરવા અને આઈટીઆઈ ખાતે જરૂરિયાત મુજબ નવા ટ્રેન્‍ડ શરૂ કરવા પણ તાકીદ કરી હતી.

મંત્રીશ્રી કુંવરજીભાઇએ ગ્રામ પંચાયત, આંગણવાડી અને દવાખાનાઓને પેવર બ્‍લોક દ્વારા મુખ્‍ય માર્ગ સાથે જોડવાના કાર્યોને પ્રાથમિકતા આપવા સાથે સાથે છેવાડાના નાગરિકોને સરકારી યોજનાઓ ની માહિતગાર કરી તેઓ લાભ મેળવી શકે તે માટે વધુ અવરનેસ કાર્યક્રમો યોજવા માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

 મંત્રીશ્રી કુંવરજીભાઇએ મહાનગરપાલિકાના વિકાસકાર્યોની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ વિવિધ વિકાસના પ્રોજેક્‍ટો સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્‍યા હતા.અને જિલ્લા કલેક્‍ટરશ્રીએ જમીન ફાળવણી, એસ.આઈ.આર તથા અન્‍ય વિકાસલક્ષી કામગીરીની વિગતવાર જાણકારી આપી હતી.બેઠકમાં રોજગાર, મહેસુલી, વન, પી.જી.વી.સી.એલ, માર્ગ અને મકાન, પોલીસ, પાણી પુરવઠા, આરોગ્‍ય અને આયોજન સહિતના વિભાગોના કાર્ય પ્રગતિ અહેવાલોની સમીક્ષા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ  પરબતભાઈ પરમાર, જિલ્લા પોલીસ વડા  ભગીરથસિંહ જાડેજા, ઇનચાર્જ નિવાસી અધિક કલેક્‍ટર રેખાબા સરવૈયા, મ્‍યુનિસિપલ કમિશનર  હસમુખ પ્રજાપતિ, નાયબ કલેક્‍ટર એન.બી. રાજપુત, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. ડી.બી. મહેતા, રોજગાર અધિકારી દિનેશ પરમાર, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:22 PM IST)