<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

૯ નવા મહાનગરોમાં વહીવટદારની મુદતમાં ૩ માસનો વધારોઃ સમયસર ચૂંટણીનો સંકેત

મોરબી, પોરબંદર, સુરેન્‍દ્રનગર, ગાંધીધામ સહિત

રાજકોટ તા. ૮: રાજય સરકારે ગયા જાન્‍યુઆરીમાં રચેલા નવા ૯ મહાનગરોમાં ચૂંટણી બાકી છે. વોર્ડ રચના અને બેઠક ફાળવણી સહિતની પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. હવે ચૂંટણી થવા પાત્ર છે. સરકારે જે તે વખતે નવા દરેક મહાનગરમાં જિલ્લા કલેકટરોમાં કલેકટર અને મ્‍યુનિસિપલ કમિશનર શાસન ચલાવી રહ્યા છે. વહીવટદારોની મુદત ગઇ તા. ૩૧મીએ પૂર્ણ થતા સરકારે તા. ૧ જાન્‍યુઆરીથી વહીવટદારોની મુદતમાં ૩ માસનો (૩૧ માર્ચ ર૦ર૬ સુધી) વધારો કર્યો છે. નવી ચૂંટાયેલી પાંખ અસ્‍તિત્‍વમાં આવે અથવા ૩ માસની મુદત બેમાંથી જે વહેલું હોય તે ગણવાનું રહેશે.

રાજયમાં તાલુકા-જિલ્લા પંચાયતો અને રાજકોટ સહિત પ કોર્પોરેશનોમાં ફેબ્રુઆરીમાં સાન્‍ય ચૂંટણી આવવા પાત્ર છે. મતદાર યાદી સુધારણાના કારણે આ ચૂંટણીઓ બે-ત્રણ મહિના પાછી ઠેલાય તેવી ધારણા છે. જુની મતદાર યાદી મુજબ આવતા બે માસમાં ચૂંટણી યોજવાનો વિકલ્‍પ ખૂલ્લો છે. સરકારે નવા મહાનગરોની ચૂંટણી પણ સાથે જ કરાવવા માંગે છે. નવા મહાનગરોમાં વહીવટદારોની મુદતમાં માત્ર ૩ માસનો વધારો કર્યો છે તેને સમયસર ચૂંટણીનો સંકેત માનવામાં આવે છે.

રાજય સરકારે ગયા જાન્‍યુઆરીમાં જાહેર કરેલ કે રાજયમાં એક સાથે ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજજો આપવાના નિર્ણયને મંત્રી મંડળની મંજૂરી મળી છે. હવે મહાનગરપાલિકાઓની સંખ્‍યા કરતાં બમણી થઇ છે. રાજયમાં ૧૭ મહાનગરપાલિકાઓ અને ૧૪૯ નગરપાલિકાઓ કાર્યરત છે. નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્‍દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ ૧ વર્ષથી મહાનગરપાલિક તરીકે કાર્યરત છે.

(12:19 PM IST)