તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
પોરબંદરના આંગણે રાજકોટના પટોળાને નવી ઓળખ અપાવતા ચંદ્રેશભાઇ રાઠોડ
સરકારની પ્રોત્સાહક નીતિ હેઠળ ‘વોકલ ફોર લોકલ' દ્વારા સ્વ રોજગારીની નવી દિશા કંડારીઃ વર્ષો જૂની કલાને જીવંત રાખવાનું કામ કરી રહયા છે. ચંદ્રેશભાઇ

પોરબંદર,તા.૨૩: રાજકોટના વતની ચંદ્રેશભાઈ રાઠોડ આજે પરંપરાગત હસ્તકલાના ક્ષેત્રમાં એક નવું નામ બનીને ઉભરી રહ્યા છે. તેઓ વર્ષો જૂની ‘રાજકોટી પટોળા'ની કલાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં પોરબંદરમાં આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ સમીટના જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં વોકલ ફોર લોકલ મેળામાં તેમને મળેલ સ્ટોલ સરકારશ્રીની ‘વોકલ ફોર લોકલ'અને ‘આત્મનિર્ભર ભારત'જેવી નેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ચંદ્રેશભાઈ જણાવે છે કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ દ્વારા તેમને ખૂબ જ મોટો સહકાર મળ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત તેમને પોરબંદરમાં એક સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. આ સ્ટોલના માધ્યમથી તેઓ બહોળી સંખ્યામાં લોકો સુધી પોતાની કલા પહોંચાડવામાં સફળ રહ્યા છે.સામાન્ય રીતે લોકો પાટણના પટોળાથી પરિચિત હોય છે, પરંતુ ચંદ્રેશભાઈએ રાજકોટી પટોળાની વિશેષતા સમજાવતા કહ્યું કે, આ સાડીઓમાં એક તારમાં સુંદર ડિઝાઇન અને બીજો તાર પ્લેન હોય છે, જે તેને પાટણના પટોળાથી અલગ અને ખાસ બનાવે છે. ન માત્ર સાડી પરંતુ ચંદ્રેશભાઈ રાજકોટી પટોળા દ્વારા હાથ રૂમાલ, ચુંદરી, શાલ, સહીત જમાનાની માંગ પ્રમાણે ટાઈ, બ્લેજર, સુટ સહીત અનેક વસ્ત્રો બનાવી રહ્યા છે.
ચંદ્રેશભાઈ માટે આ માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા તરફનું એક મજબૂત ડગલું હતું. સરકારશ્રીની પ્રોત્સાહક નીતિઓને કારણે તેમના જેવી યુવા પ્રતિભાઓને પોતાના હસ્તકલાના વારસાને વ્યવસાયિક રૂપ આપવાની તક મળી છે.ચંદ્રેશભાઈ કહે છે કે, હું સરકારશ્રીનો આભારી છું કે તેમણે મને આવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આવા કાર્યક્રમો દ્વારા જ આપણી હસ્તકલાની ચીજો જે લુપ્ત થઈ રહી છે, તેને જાળવી રાખવામાં મદદ મળે છે. આ એક ઉત્તમ આયોજન છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે તેવી મારી ઈચ્છા છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
