તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા- રાહુલ ગાંધીને રાહત મળતા મોરબીમાં કોંગ્રેસે જિલ્લા ભાજપ કાર્યાલય બહાર કર્યા સુત્રોચ્ચાર
કોંગ્રેસ આગેવાનોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતા કોંગ્રેસમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના આ ચુકાદાને સત્યની જીત ગણાવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય સામે નારેબાજી કરવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના જણાવ્યા મુજબ નામદાર અદાલત દ્વારા કોંગ્રેસના નેતૃત્વ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ‘યંગ ઈન્ડિયા' કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સંપૂર્ણ ગેરકાયદેસર અને બદઈરાદાપૂર્વક જણાવેલ છે. નામદાર અદાલતે ચૂકાદો આપતા જણાવ્યું છે કે, ઈડીના કેસનું કોઈ અધિકારક્ષેત્ર જ નથી છેલ્લાં એક દાયકાથી દેશના મુખ્ય વિરોધપક્ષ સામેની મોદી સરકારની આ રાજકીય બદઈરાદાયુક્ત કાર્યવાહીનો ભારતની પ્રજા સમક્ષ પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે આજે જિલ્લાના ભાજપ કાર્યાલયના વડા મથકે કોંગ્રેસ અગ્રણીઓએ પહોંચી સત્યમેવ જયતેના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જેના જવાબમાં ભાજપના કાર્યકર્તાઓએ ‘‘વંદે માતરમ'' અને ‘‘મોદી મોદી''ના નારા લગાવ્યા હતા જેથી થોડીવાર માટે ભાજપ કાર્યાલય પાસે વાતાવરણ તંગ બન્યું હતું બન્ને પક્ષોએ સામસામે નારેબાજી કરતા રાજકીય ધમાસાણ જોવા મળ્યું હતું
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
