News of Friday, 19th December 2025
વાંકાનેરમાં શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
કથા વ્યાસાસને માધાપર નિવાસી શાસ્ત્રી શ્રી કિશોરઅદા એ પાઠક બીરાજશે અને પોતાની આગવી શેૈલીમાં સુર-સંગીત અને દ્રષ્ટાંત સાથે ‘મોક્ષકથા'નુ રસપાન કરાવશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૯: વાંકાનેર મધ્યે સદીઓ પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઢની રાંગ ખાતે ઉભુ કરાયેલ ‘‘હરીહરધામ'' ખાતે આગામી તા.૨૨ ને સોમવારથી ૨૮/ રવિવાર સુધી (સાત દિવસ)શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા ભવ્ય આયોજન કરવા આવેલ છે.
આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવાકે કપીલ જન્મ, શ્રીનૃસિંહ પ્રાગટય, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, શ્રી ગોર્ધન પુજા, શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલા, શ્રી રૂક્ષમણી વિવાહ સહીત પ્રસંગો ધામધુમથી ઉજવાશે તેવી માહીતી સેવા સમીતીના આગેવાન હરેશભાઇ ત્રિવેદી (બબુભાઇ) એ આપી હતી.
આ ભાગવત સપ્તાહના પ્રારંભે ભવ્યથી ભવ્ય એક પોથીયાત્રાનું રૂડુ આયોજન તા.૨૨/૧૨/૨૫ને સોમવારના રોજ બપોરે ૨/૩૦ કલાકે દરબારગઢ સ્થીત શ્રીચત્રભુજ રાયજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઇ વાજતે-ગાજતે ‘‘શ્રી હરીહર'' ધામ નિલકંઠ મહાદેવ મંદિર ગઢની રાંગ કથા સ્થળે પહોંચશે.
તો દરેક ભાવિક ભકતજનોને કથાનું રસપાન કરવા પધારવા શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમીતી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. જયારે હરીહરધામ ખાતે આ શ્રીમદ ભાગવત કથા દરરોજ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ દરમ્યાન એક ટામઇ રાખેલ છે. જેથી ઉપરોકત ટાઇમ બધાને અનુકુળ રહે અને કથા શ્રવણનો દરરોજ લાભ લઇ શકે.
આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના વ્યાસાસને માધાપર નિવાસી અને જેને વાંકાનેર ઉપર તેમનો ભાવ છે તેવા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી કિશારઅદા એ પાઠક પોતાની આગવી શેૈલીમાં સંગીતના સથવારે મોક્ષકથાનું રસપાન કરાવશે.
તા.૨૨/૧૨/૨૫ થી શરૂ થયેલ આ ભાગવત સપ્તાહ તા.૨૮/૧૨/૨૫ના રોજ પુણાહુતિ થશે અને તેજ દિવસે સાંજે કથા સ્થળે મહાપ્રસાદનું ભવ્ય આયોજન ઉપરોકત સેવા સમીતી દ્વારા કરવામાં આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો તથા આમંત્રીત મહાનુભાવોએ મહાપ્રસાદનો લાભ લેવા નિલકંઠ મહાદેવ સેવા સમીતીના અગ્રણી આગેવાન હરેશભાઇ ત્રિવેદી (બબુભાઇ) જાહેર આમંત્રણ આપતા યાદીમાં જણાવ્યું છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
