<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

મોરબીમાં શટર ઊંચકી લાખોની ચોરી કરનાર બે રાજકોટના આરોપી ઝડપાયા: કોપર વાયર અને રિક્ષા સહિત રૂ.64,700નો મુદ્દામાલ જપ્ત

રૂ.લખધીરપુર રોડ પર આવેલ દુકાનમાંથી રૂ.1.98 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો: LCB/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વોચ ગોઠવી ચોરીનો મુદ્દામાલ છકડો રિક્ષામાં ભરીને જતા બે શખ્સોને દબોચી લીધા.

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક દુકાનનું શટર ઊંચકીને કોપર વાયર સહિત લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરનાર બે આરોપીઓને મોરબી પોલીસે ઝડપી પાડ્યા છે. ગત તા. ૦૩ ના રોજ મનીષભાઈ મેરજાની 'ન્યુ પટેલ રીવાઈન્ડીંગ' નામની દુકાનમાંથી ઇલેક્ટ્રિક મોટર કોપર વાયર, ભંગાર, ઈલેક્ટ્રીક મોટર બોડી, તેમજ સીસીટીવી કેમેરા અને તેનું રેકોર્ડર મળીને કુલ રૂ. ૧,૯૮,૨૦૦ ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ગંભીર ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.
ચોરીના ગુનાની તપાસ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે હાથ ધરી હતી, જેને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ઈસમો ચોરીનો મુદ્દામાલ લઈને ધરમપુર રોડ પરથી એક જૂની નંબર વગરની છકડો રિક્ષામાં નીકળવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ચોરીના મુદ્દામાલ સાથે નીકળેલા આરોપીઓ સંજય ઉર્ફે અભલો ગીરીશભાઈ સોલંકી અને સંજય ઉર્ફે સંજ્લો શંભુભાઈ ડાભી (રહે. બંને રાજકોટ)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે ૧૦૦ કિલો તાંબાનો વાયર (કિંમત રૂ. ૩૯,૭૦૦) અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી છકડો રિક્ષા (કિંમત રૂ. ૨૫,૦૦૦) સહિત કુલ રૂ. ૬૪,૭૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે.
પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોપર વાયર જેવા કિંમતી ધાતુઓની ચોરીના ગુનામાં બે રાજકોટના શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે આ ટોળકી દ્વારા અન્ય કોઈ ચોરીના ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ સફળતાથી મોરબી પોલીસે માત્ર ચોરોને પકડ્યા નથી, પરંતુ ચોરીના મુદ્દામાલનો એક મોટો હિસ્સો પણ રિકવર કરીને દુકાનદારને રાહત આપી છે.

(2:47 PM IST)