તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
જૂનાગઢનો માળિયા હાટીના અને માંગરોળને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં: વાહન ચાલકોને ભારે હાલાકી
ચોમાસા બાદ સ્થિતિ વધુ વણસી: જ્યાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે તેની ઊંડાઈનો અંદાજ મેળવવો પણ મુશ્કેલ બની જાય

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને માંગરોળને જોડતો ગ્રામ્ય પંથકનો અત્યંત રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
માળીયા થી માંગરોળ સુધીને જોડતો ગ્રામ્ય પંથકનો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આ માર્ગ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો પસાર થાય છે. રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખાસ કરીને ચોમાસા બાદ સ્થિતિ વધુ વણસી છે, જ્યાં ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે તેની ઊંડાઈનો અંદાજ મેળવવો પણ મુશ્કેલ બની જાય છે..વાહનોને ધીમી ગતિએ અને કાળજીપૂર્વક ચલાવવાની ફરજ પડે છે, જેના કારણે સમયનો વ્યય થાય છે અને વાહનોને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે...આસપાસના ગામોના લોકોને તબીબી સારવાર માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પણ અવરજવરમાં ભારે તકલીફ પડે છે, જેનાથી ઈમરજન્સી સેવાઓ પર અસર થઈ રહી છે.સ્થાનિક પંચાયત અને ગ્રામજનો દ્વારા આ બિસ્માર માર્ગના સમારકામ માટે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોમાં સત્તાધીશો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માળીયા થી માંગરોળને જોડતા ગ્રામ્ય વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે અનેક રજૂઆતો કરવામાં આવી છે જેને લઈને માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા જણાવાયું હતું કે નેશનલ હાઇવેથી પિખોર ગામ સુધીનો રસ્તો મુખ્ય જિલ્લા માર્ગમાં સમાવેશ થાય છે, જેની કુલ લંબાઈ લગભગ 6 કિલોમીટર છે. આ માર્ગના નવીનીકરણ માટે સરકાર પાસે દરખાસ્ત કરાયેલ છે, જે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના પત્રના આધારે મોકલવામાં આવી છે. આ વર્ષના એપ્રિલ માસ દરમિયાન પિખોરથી પાણિદ્રા ગામ સુધી પેચવર્કનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પિખોર સુધી બાકી રહેતી કામગીરી હાલમાં વહીવટી પ્રક્રિયામાં છે અને મંજૂરી મળતાની સાથે જ માર્ગ રિપેરિંગનું કાર્ય શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આજુબાજુના ગ્રામજનોની માંગ છે કે, વહીવટી તંત્ર તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ અને આ ગ્રામ્ય પંથકના રસ્તાનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરે, જેથી કરીને લોકોની મુશ્કેલીઓનો અંત આવે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
