News of Saturday, 6th December 2025
તપાસમાં બેદરકારી બદલ મેંદરડાના તત્કાલીન મહિલા PSI, ડ્રાઇવર સસ્પેન્ડ થયા
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના કડક પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬: તપાસમાં બેદરકારી સબબ જુનાગઢ જિલ્લા પોલીસ વડા એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા અને ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
સસ્પેન્શનના પગલાં અંગે જાણવા મળેલી એવી વિગતો એવી છે કે, ગયા જુલાઈ મહિનામાં મેંદરડા પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૫૭ લાખની છેતરપિંડીની ફરિયાદ ૪ શખ્સ સામે નોંધાઈ હતી. આ કેસમાં મહિલા પીએસઆઇ એસ. એન. સોનારાએ ૨ મહિલા સહિત ૩ની અટક કરી હતી. પરંતુ એક મહિલાએ કેસમાં તેને ખોટી રીતે પકડવામા આવી હોવાની રજૂઆત વડાપ્રધાન કાર્યાલયને કરી હતી. જેના પગલે તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલાની તપાસ એસપી સુબોધ ઓડેદરાએ વિસાવદર ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારને સોંપી હતી. સીસીટીવી ફૂટેજ વગેરે મેળવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીએસઆઇ એસ એન સોનારાએ ઉપરી અધિકારીની મંજૂરી વગર મહિલાને ૨ થી ૩ દિવસ ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવી હોવાનું સામે આવ્યુ હતું તેમજ મુદ્દામાલની ઓછી રિકવરી કરી હોવાનું તથા સરકારી વાહન સહિતના સાધનોનો દૂરુપયોગ કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું.
મદદનીશ પોલીસ અધિક્ષક રોહિતકુમારના તપાસ રિપોર્ટ આધારે એસપી સુબોધ ઓડેદરાએ મેંદરડાના તત્કાલીન મહિલા પીએસઆઇ એસ. એન. સોનારા, ડ્રાઇવર દિનેશ લખમણભાઇ બંધીયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
હાલ બંનેને જુનાગઢ પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
ઉલ્લેખનીય છે કે, મહિલા પીએસઆઇ સોનારાની મેંદરડાથી વિસાવદર ખાતે બદલી કરવામાં આવી હતી અને બાદમાં લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઈવર દિનેશ લખમણભાઇ બંધીયાની પોલીસ એમટી વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
