News of Friday, 5th December 2025
વાહનચોરીમાં પકડાયેલા યુવાનનો સુરેન્દ્રનગર એલસીબી કચેરીમાં શર્ટથી ફાંસો ખાઇ આપઘાત
મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયોઃ ઝીંઝુવાડાના યુવાને આઠ જેટલી વાહન ચોરી કબુલી હતીઃ પરિવારમાં શોકની કાલીમાઃ લાશ સ્વીકારવાનો ઇન્કાર

રાજકોટ તા. ૫: સુરેન્દ્રનગરની એલસીબી કચેરીમાં ગંભીર ઘટના બની છે. જેમાં બાઇક ચોરીના ગુનામાં બે દિવસ પહેલા ઝડપાયેલા એક આરોપીએ પુછપરછ રૂમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે અને પોલીસ બેડામાં પણ સન્નાટો વ્યાપી ગયો છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામનો રહેવાસી ૨૪ વર્ષિય ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલા નામનો યુવાન છેલ્લા બે દિવસથી એલસીબીની કસ્ટડીમાં હતો. પોલીસે તેને બાઇક ચોરીના આરોપસર પકડ્યો હતો અને વધુ પૂછપરછ માટે કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તેણે આઠ જેટલા બાઇકની ચોરીની કબૂલાત પણ કરી હતી અને તેની તપાસની કાર્યવાહી ચાલુ હતી. દરમિયાન ગઇકાલે આરોપી ગજેન્દ્રસિંહે શૌચાલયની બારી પાસે પોતાના શર્ટનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. એલસીબી કચેરીમાં કસ્ટડી દરમિયાન આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો.કસ્ટોડિયલ ડેથની આ ઘટનાની ગંભીરતા જોતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને પોલીસ કસ્ટમડી દરમિયાન બેદરકારીના મુદ્દાઓની તપાસ હવે માત્ર પોલીસ દ્વારા જ નહીં, પરંતુ મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી દ્વારા પણ કરવામાં આવશે.
આ અંગે સુરેન્દ્રનગર ડીવાયએસપી વી. બી.જાડેજાએ જણાવ્યું હતું કે ઝીંઝુવાડાના ગજેન્દ્રસિંહ ઝાલાને સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ ચોરેલા એક બાઈક સાથે વધુ પુછપરછ માટે સુરેન્દ્રનગર એલસીબી કચેરીએ લાવી હતી. જેમાં આરોપીએ વધુ આઠ બાઈક ચોરીની કબૂલાત આપી હતી. આ વાહનોની ચોરી અંગેની વધુ પુછપરછ ચાલી રહી હતી. એ પછી સ્ટાફની ગેરહાજરીમાં યુવાને આ પગલુ ભરી લીધુ હતું. હાલ એની અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી ચાલી રહી છે. મૃતદેહનું વિડીયોગ્રાફી સાથે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે.
દરમિયાન મૃતદેહને રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ કરાવવા ખસેડાયો હોઇ અહિ પરિવારજનો પણ પહોંચ્યા હતાં. પરિવારજનોએ કહ્યું હતું કે અમારા ભાઇએ આ પગલુ ભરી લીધુ ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતાં. ઘટનાની અમને મોડી જાણ કરવામાં આવી હોઇ કંઇક ખોટુ થયાનું અમને લાગે છે. મૃતકના પરિવારજનોએ ન્યાયી તપાસની માંગણી કરી લાશ નહિ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. (૧૪.૬)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
