News of Wednesday, 3rd December 2025
‘‘અજબ પ્રેમ કી ગજબ કહાની...'' એક સમયે મોરબીમાં મણીમંદિર બોલવું રાજદ્રોહ ગણાતું
આઝાદીની પહેલી રાત્રીએ મોરબીના નગરજનોએ અંતરમાં દબાયેલ વાત જાહેર કરી અને મણી... મણી..ની બુમ પાડી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા મોરબી શહેરના મધ્યે સૌરાષ્ટ્રના રાજવીએ એની પ્રિયતમા માટે બનાવ્યો સૌરાષ્ટ્રનો તાજ મહેલ જેને મોરબીવાસીઓ મણી મંદિર કહે છે. તો ઘણા ખરા ભણેલ લોકો વેલીંગ્ડન સેક્રેટરીએટના નામે પણ ઓળખાય છે. ઉપરાંત આ પ્રેમ પ્રતિકને વાઘ મહેલ તરીકે લોક ઓળખ આપવા માટે પણ અનેક પ્રયાસો થયા. કાયદા પણ ઘડયા પણ કાઈ ફેર ન પડ્યા જેની રસપદ અને અજાણી વાત ઉપર આજે થોડો પ્રકાશ પાડવો છે.
વાત છે ઈ. સં ૧૮૭૦ના મોરબી રાજ્યના રાજા સર વાઘજી ઠાકોરની સર વાધજી બિજા આ સમયે સગીર વયના એટલે કે ૧૩ વર્ષના હતા. એટલે રાજ્યનો કારભાર જોઈન્ટ એડમીનીસ્ટેટર રાવ બહાદુર શંભુપ્રસાદ લક્ષ્મીપ્રસાદ અને અંગ્રેજ એજન્સીના વહીવટદાર દફતરી ઝુંઝાભાઈ સખીદાસે સંભાળ્યો હતો. જે ૯ વર્ષના સમય સુધી વહીવટ ચલાવે છે અને ઈ. સ. ૧૮૭૯ ની પહેલી જાન્યુઆરીએ સર વાધજી ઠાકોર ગાદીએ બિરાજમાન થાય છે. પછી તો એમના લગ્ન ત્રણ રાજ કુવરી સાથે થાય છે જેમાં ચુડાના રાજકુંવરી બિજા લગ્ન થરાદના રાજકુંવરી અને ત્રિજા લગ્ન પાલીતાણાની રાજકુંવરી બાજીરાજબા સાથે રંગેચંગે થયા તેમની કુખેથી કલૈયા કુંવર લખધીરજી મહારાજાએ જન્મ લીધો હતો.
છતાં પણ મોરબીના રાજની માથે એક ઉપાધિ આવી એ ઉપાધિ હતી મહારાજા વાઘજી ઠાકોર એમના હજુરી એવા ગોકળભાઈ ખવાસની યુવાન પુત્રી મણી જેની નાત જાત કે સ્થાન માનપાન કે કશું જોયા વિના પ્રેમમાં પડ્યા. આમતો સાચો પ્રેમી એવું જોવે જ નહીંને, પણ આ મણી કેવી તો કે જુવાન જોધને મીણની પૂતળી જેવી, પડછંદ કાયા, દૂધ જેવો ઉજળો વાન, કેરીની ફાડ જેવી આંખો, ગુલાબના ગોટા જેવું મો છે જેનામાં ફાટફાટ જોબન ભર્યું છે. (વાયરલ ગલ મોનાલિસાનુ પોચયુ ન આવે) એવી મણીની તરફ સર વાધજી ઢળ્યા અને પછી તો ગળાડૂબ બની ગયા ને વાઘજી ઠાકોરનું હૃદય મણીએ મીણ જેવું બનાવી દીધું ને મોરબી રાજન પ્રેમ સરોવરમાં ભીંજવેલા જ રાખે છે. મણીના ગળામાં તો જાણે કોયલ જ બેઠી હોય તેવો કંઠ છે. એ ગાઇ ત્યારે મોટા સંગીતકારને પણ શરમાવે એવા મધથી પણ મીઠા ભાવવાહી ગીતો ઠાકોરને સંભળાવે છે. મણી રૂપાળી તો એવી કે પાણી પીવે ત્યારે ગળામાં પાણી ઊતરતું દેખાય હો. સામા પક્ષે વાધજી ઠાકોર પણ એવા જ રૂપાળા હો. રૂપાના ગંઠેલા તાર જેવી દાઢી, (અત્યારે નથી ફિલ્મી ફેસન ચાલી એવી) રૂપને જોબનને શૂરવીરતા તેમના યદુવંશી દેહમાં હિલોળા લે છે, એવા વાઘજી ઠાકોર મણીના સૌંદર્યમાં પૂરેપૂરા રંગાય ગયા છે, પણ છતાં તેમને હૈયે કચવાટ છે કે આ મણી કઈ મારી પરણેતર તો ન જ કહેવાય.
આ મણી અને મહારાજના પ્રેમની વાતો રાજ આખામાં ચકચાર જગાવી રાજ સભ્યોને પણ ખોટુ લાગ્યુ પણ રાજા ને કહે કોણ? પણ રાણીબા બોલ્યા પણ ઠાકોર ન માનતા મોરબીથી પોતાના બાળકુંવર લખધીરજીને તેડી પાલીતાણે રીસામણે ચાલ્યા ગયાને કહેતા ગયા કે જે દી આપ યદુકુળને શોભે એવા વર્તન મા દેખાસો તે દી જ પાછા મોરબીના ઝાડ જોઈશ અને એ સિવાય પાછી ફરું તો ગોહિલ કુળની દીકરી મટી જાવ આવુ કહી પાલિતાણા જતા રહ્યા.
રાણીસાહેબ પિયર ચાલ્યા જતા, હવે તો વાઘજી ઠાકોરને કોઇપણ અડચણો રહી નથી તે પ્રેમફાગ ખેલવાનો છૂટો દોર મળી ગયો ને પછી તો રાત દિવસ મણીનો સાથ છોડતા જ નહતા. ત્યારે મોરબી રાજના એક શાણા અધિકારીએ વાઘજી ઠાકોરને સમજાવ્યા કે બાપુ આમ વગર લગ્ને મણી સાથે રહેવું એ આપ જેવા માટે સારું ન કહેવાય તેના કરતા આપ તેની સાથે લગ્ન જ કરી લ્યોને રાજાને તો એક થી વધારે રાણીઓ હોય જ એમાં કઈ ખોટું નથી. આથી વાધજી ઠાકોર મણીને પરણીને નજરબાગ પેલેસમાં લાવ્યા અને થોડાં વર્ષો તો વાઘજી ઠાકોરને મણીનો પૂરતો સાથ-સહકારને ગળાડૂબ પ્રેમ મળ્યો, પણ આખરે મણીને રાજરોગ (ટી.બી.) (મહામારી હતી એ સમયે) લાગુ પડ્યો.
વાઘજી ઠાકોરે તો મણી ને રોગ મટાડવા પાણીની જેમ પૈસા વાપર્યા વિદેશી ડોક્ટરો પણ તેડાવ્યા વેદ, હકીમ, દવા, દુવા બધુ કરાવ્યુ પણ વિધાતાના ચોપડે મણીની ઉમર ઓછી લખાણી હતી તેથી કોઈનું કશું જ ચાલ્યું નહિને મણીએ ઇ.સ. ૧૯૦૩માં મહારાજ ને એટલા મુકી અનંતની વાટ પકડી. જાણે આદિત્ય ને નિશાનાથ ચંદ્ર આથમી ગયો હોય તેમ મોરબીના રાજમહેલમાં ધોળે દિવસે અંધારું સર્જાય ગયા જેવું બન્યું. મોરબીના રાજમહેલમાં અજબની શાંતિ છવાય ગઈ છે, પ્રિયતમા જતા રાજા વાધજી ઠાકોર અસ્ત વ્યસ્ત જેવા છ મહિના રહ્યા ને કાયમ તેઓ સાદો જ ખોરાક લેવા લાગ્યા.
વાઘજી ઠાકોરને શોકમાંથી બહાર કાઢવા તેમના પરમ મિત્ર વિશ્વનાથ ભટ્ટે ભૈરૂનુ ધ્યાન હટાવી યોગ્ય માર્ગદર્શન માટે અનેક કથાઓ કહી અને કૌટુંબિક સંબંધો અને જીવન મરણના સંબંધોના અનેક દાખલાઓ આપ્યા તેથી થોડા સમયમાં મહારાજા શોકમાંથી બહાર આવ્યા અને સ્વ. મણી પાછળ ૧૬ હજારને ખર્ચે સ્મશાન અને મચ્છુનદી પર ઘાટ બંધાવ્યો, ભાગવત સપ્તાહ કરી અને ૧૬૦ બ્રાહ્મ ણોને ચારધામની યાત્રા કરાવી પછી તે વિચારે છે કે મારી પ્રેમિકા મણી માટે કોઈ યાદગાર સ્મારક બનાવું તો કેમ રહે? આથી બહુ લાંબા વિચારો કરી અનેકના મત જાણીને મણિમંદિર બનાવવાનો નિર્ણય લીધો.
વાઘજી ઠાકોરે પોતાના મુખ્ય ઇજનેર શ્રી દફતરી અને જયપુરના શિલ્પી રામનારાયણની નિગરાની હેઠળ આશરે પોણા બે એકર જમીનમાં મણિમંદિર બાંધવાની શરૂઆત કરી જેમા ત્રણ શિખર વાળું મંદિર બાંધ્યું ને મુખ્ય મંદિરનું શિખર ૧૧૨ ફૂટ ઊંચું, મંદિરનો મેઘનાદ મંડપ બે મજલાવાળોને મંદિરની ચારેબાજુ બે મજલાવાળી ભવ્ય ઇમારત શરૂ કરી તેમાં ૧૩૦ ઓરડાઓ તથા વચ્ચે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર ‘‘(આ મંદિર બનાવવાનુ કારણ ટંકારા ગામધણી તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન છે ટંકારા જગવિખ્યાત પ્રતિમા વાઘજી ઠાકોર મોરબી લઈ જવા માંગતા હતા પરંતુ એ ઈヘરની માયાથી શકય બન્યુ ન હતુ ચમત્કાર કહો કે પરચો જે એક ઘટના પછી મોરબી રાજવી એ ટંકારામાં રાણી મહેલ બનાવ્યો હતો આજે આ મહેલ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ પાસે છે. )'' ઉપરાંત કાલિકા મંદિર , શ્રી રામ મંદિર , રાધા કળષ્ણ મંદિર તથા શિવજીના મંદિરો છે. આ મહેલના બાંધકામનો ખર્ચનો અંદાજ ૩૦ લાખ થયો હતો. પણ બાદમાં ૨ લાખ વધી ૩૨ લાખમાં તૈયાર થયો હતો. ખાસ વાત એ છે કે ૧૯૭૯માં આવેલ મચ્છુ નદીની ભયંકર જળ હોનારતથી મોરબી તહેશ નહેશ થયુ હતું પરંતુ આ મહેલને રતીભાર પણ નુકશાન નહતું થયું. જોકે ૨૦૦૧માં આવેલ ગોઝારો ભૂકંપે આ મહેલને ભારે નુકશાન કરતો ગયો હતો. એ વખતે આ મહેલમાં મોરબી તાલુકાની વહીવટની મુખ્ય સરકારી કચેરી હતી. (મોરબી જીલ્લો બન્યો ન હતો માટે)
વળી બિજી વાતે ચડી ગયો હતો પણ કેડીએ આગળ વધુ તો ૩૦ લાખ ખર્ચ સાથે મહેલનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું હતું ત્યાં તો વાઘજી ઠાકોરને મણીએ સ્વર્ગમાં પોતાનો વિરહ સહન ન થતા ઇ.સ. ૧૯૨૨માં એમની પાસે બોલાવી લીધા. જેથી કેશરે હિન્દના બિરૂદ ધારક વાઘજી ઠાકોરનું મુત્યુ થયું અને આદર્યા અધૂરા રહ્યા જેવો ઘાટ સર્જાયો.
રાજાના મળત્યુ પછી પાલિતાણાના રાજકુંવરી બાજીરાજબા અને વાઘજી ઠાકોરના દીકરા. લખધીરજી વાઘજી જાડેજા ૧૯૨૨/૪૮ સુધી રાજગાદી એ આવ્યા. તેમણે કાયદાશાષામાં બનારસ હિન્દુ વિશ્વ વિધ્યાલયમાં ડોકટર ઓફ લો'' ની ડિગ્રી મેળવી હતી. ૧૯૨૭ માં મોરબીમાં મર્કેટાઇલ બેન્કની સ્થાપના કરી અને મોરબી વેપારી મંડળની સ્થાપના કરી. સિમેન્ટના રસ્તા બનાવવાની શરૂઆત ગુજરાતમા પહેલી વાર તેમણે મોરબીમાં કરી હતી. સાથે જ આરોગ્ય માટે વાઘજી હોસ્પિટલ તથા પત્નીના નામે નંદકુવરબા જનાના હોસ્પિટલનું નિર્માણ કરાવ્યુ. આજે જેના કારણે મોરબી વિヘ ફલક પર છે અને તળિયા નળિયા અને ધડિયાળ જેની ઓળખ છે એવા ઉદ્યોગ ચાલુ કરાવવા નજીવી કિંમતે જમીન આપી હતી. ૯ લાખના ખર્ચે તૈયાર થયેલ નવલખી બંદર વિકાસ માર્ગે કર્યું બે વર્ષ સુધી ઓછો વરસાદ થતા ખેડૂતોનું દેવું માફ કર્યું. ૧૯૨૩ માં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ફ્રી વિના મૂલ્યે કર્યું અને પોતાનો નજરબાગ પેલેસમાં કોલેજ શરૂ કરવા માટે આપી દીધો. અને હયાત વેળાએ પોતાની ગાદીએ પોતાના દીકરા આખરી મહારાજા મહેન્દ્રસિંહજી (જેમનું ખાંડુ ટંકારા મગનલાલ દોશીના બંગલે પરણયુ એ) ને સોપી મોરબીના રાજવી બનાવ્યા.
લખધિરજીએ પિતાનું અધૂરું મણિમંદિરનું કામ પૂર્ણ કરવાનુ બિડુ હાથમાં લિધુ પણ જેની જનેતા જેના કારણે રીસામણે જવુ પડ્યુ જેના કારણે બાળપણ બાપના લાડ પ્યાર ને બદલે મામાને ઘેર વિતાવું પડયું એ વિરલો મણીના નામને સ્વિકારે ખરો? એટલે મોધવારી વધતા વધુ બે લાખ ઉમેરી મણી મંદિરને પિતાના નવા નામકરણ સાથે વાઘ મહેલની જાહેરાત કરી સ્મારક બનાવવાનુ શરૂ કર્યુ. અને ઈ. સ ૧૯૩૬ ની ૧૩ જાન્યુઆરીએ આને તૈયાર કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. એ સમયે રાજ્યની બધી કચેરી અહી કાર્યરત કરી હતી.
રાજા લખધીરજી એ તો વાઘ મહેલ નામ આપ્યુ પણ રાજ્યની પ્રજા તો ઠાકોર વાઘજી અને મણીની પ્રેમની હકીકત જાણતી હતી. એટલે બધાના મુખે પ્રેમના પ્રતિક મણી મહેલ, મણી મહેલ જ રટણ ચાલતુ. જે વાત રાજાને ન ગમી તે ફરમાન કર્યું કે આ સ્મારક વાધ મહેલથી ઓળખાશે અને અન્ય નામ કોઈએ ઉચ્ચારણ કરવુ નહી અને જો કોઈ આમ કરશે તો કાયદાકીય કાર્યવાહી અને ડંડની જોગવાઈ કરી હતી. (હવે સાંભળો નોખી વાત આ કાયદાથી લોકો મણી મહેલનું નામ જાહેરમાં ઉચ્ચારતા બંધ તો થઈ ગયા પણ સ્મળતિ માથી કેમ જાઈ રાજની નારાજગી થી બચવા મોરબી પ્રજા થોડા વર્ષો ચુપ રહી અને પછી એક દિવસ મધ્ય રાત્રીએ મોરબીની મચ્છુ નદીના કિનારે આવેલા મહેલ બહાર કાનના પડદા ફાડી નાખે એવા નાદ સાથે મણી, મણી, મણી... મહેલની બુમાબુમ સંભળાવા લાગી આ રાત્રી હતી આઝાદીની પહેલી રાત્રી પંદરમી ઓગસ્ટ જેનો ઉપયોગ મોરબીના નગરજનો એ અંતરમાં દબાયેલા વાત ને જાહેર કરી મનાવી હતી.
આ મણી મંદીર ઘણા વર્ષો પછી માતબર રકમના ખર્ચ રીનોવેશન કરી મોરબીવાસી માટે ૨૦૨૨ માં ખુલ્લો મુકયો હતો. જેને જોવા રિતસરનો મેળો ભરાયો હતો જોકે ટિખણખોરના કારણે ફરી બંધ કરવો પડ્યો એ બિજી વાત છે પણ શાહજહા અને મુમતાઝ ના પ્રેમને અમર કરી જનાર તાજ મહેલ માફક મોરબીના સર વાધજી અને મણીના પ્રેમની ઝાંખી કરાવતા મહેલ બે નમુન કારીગરી છે.
(- માહિતીસ્ત્રોત :- યદુવંશી રાજપૂત પુસ્તક, અંગ્રેજ દ્વારા લિખિત ગેઝેટ અને આ લેખ લખનાર (જયેશ ભટાસણા) ના વડીલ મિત્ર સ્વ. ધીરૂભાઈ ગજ્જર મોરબી પાસેથી)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
