<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

સાવરકુંડલાના સેંજળ ગામ પાસે દીકરીને તેડીને જઇ રહેલા પરિવારની ગાડી પલ્‍ટી જતા મહિલાનું મૃત્‍યુઃ રપને ઇજા

ઠાકોર પરિવારની બોલેરો પલ્‍ટી જતા અકસ્‍માતઃ ઇજાગ્રસ્‍તો સારવારમાં: ધારાસભ્‍ય મહેશ કસવાલા દોડી ગયા

(ઇકબાલ ગોરી-દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ૧: સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ ખાતેથી દીકરીને તેડીને પરત કદમગીરી પાસેના ગંઢોલ ગામે જઈ રહેલ ઠાકોર પરીવાર ની બોલેરો ગાડી પલટી જતા એક મહિલાનું મળત્‍યુ થયું છે અને પચીસેકને નાની મોટી ઇજા થઈ છે.

કદમગીરી પાસેના ગંધોળ ગામના વિઠ્ઠલભાઈ મનાભાઈ મકવાણાની દીકરી રિદ્ધિ બેન ના લગ્ન સાવરકુંડલા ના સેંજળ ગામના ઉકાભાઇ કલ્‍યાણભાઈ ચૌહાણના દીકરા હસમુખ સાથે તારીખ ૨૬/ ૧૧ ના યોજાયા હતા ત્‍યારે આજે બપોરે સામાજીક રિવાજ મુજબ રીધીબેનના  પિયરીયા રીધી બેનને તેડવા સેંજળ  મુકામે આવ્‍યા હતા અને બપોર પછી નવ વિવાહિત દીકરીને તેડીને હરખભેર પોતાના ગામ ગંઢોલ જવા બોલેરો ગાડીમાં નીકળ્‍યા હતા ત્‍યારે સેંજળ ગામ થી ત્રણ કિલોમીટર દૂર વળાંકમાં બોલેરો ગાડીના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બોલેરો ગાડી રોડ સાઇડ માં પલટી મરી ગઈ હતી બોલેરો માં નાની બાળાઓ અને મહિલાઓ સાથે અંદાજે ૩૦ સભ્‍યો સવાર હતા તે  તમામને નાની મોટી ઈજા થવા પામી છે અકસ્‍માત નો બનાવ બનતા આજુબાજુ માંથી અને પસાર થતા લોકો સ્‍થળ પર દોડી ગયા હતા અને ઇજાગ્રસ્‍તોને તાત્‍કાલિક ૧૦૮ મારફત સારવાર માટે વંડા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સાવરકુંડલા સિવિલ હોસ્‍પિટલ ખાતે કેસેડવામાં આવ્‍યા હતા સાવરકુંડલા ખાતે એક મહિલાનું મળત્‍યુ થયેલું જ્‍યારે ૧૫ ઇજાગ્રસ્‍તો પૈકી ૫ઇજાગ્રસ્‍તો ને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્‍યા છે સાવરકુંડલામાં બનાવ ની જાણ થતા સામાજિક, રાજકીય કાર્યકરો ઇજાગ્રસ્‍તોને મદદરૂપ થવા દોડી ગયા હતા.

ઘટનાની જાણ થતા તરત જ ધારાસભ્‍ય  મહેશભાઈ કસવાલા દુર્ઘટના સ્‍થળે પહોંચ્‍યા અને સમગ્ર પરિસ્‍થિતિની માહિતી મેળવી માર્ગ અકસ્‍માતમાં ઈજાગ્રસ્‍ત થયેલાં નાગરિકોની હાલત અંગે સ્‍થળ પર જ જવાબદાર અધિકારીઓ સાથે સમીક્ષા કરી.

ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા એ ઘટના પ્રતિ ગંભીરતા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું  કે સરકાર અને તંત્ર લોકોની સુરક્ષા અને સારવારને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપે છે. સાથે જ તેમણે અકસ્‍માતગ્રસ્‍ત પરિવારોને તમામ શકય સહાય અને સપોર્ટ આપવાની ખાતરી પણ આપી.

ઇજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં તમામને આવશ્‍યક સારવાર આપવામાં આવી રહી છે. ધારાસભ્‍યએ હોસ્‍પિટલ ખાતે પણ મુલાકાત લઈ તબીબી ટીમ સાથે ચર્ચા કરી અને ઈજાગ્રસ્‍તોના સારવાર કાર્યો ઝડપથી અને અસરકારક રીતે થાય તેની જરૂરી સૂચના આપી હતી.

(12:19 PM IST)