<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

માંગરોળના દરિયા કિનારે ટોકન વિના માછીમારી કરતી ત્રણ બોટ પર પોલીસની તવાઈ: ત્રણ સામે ગુનો દાખલ

માંગરોળ મરીન પોલીસ અને SOG દ્વારા શીલબારા અને શેરીયાજ બારાના દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલીંગ અને સઘન ચેકિંગ દરમિયાન મત્સ્ય ઉદ્યોગના નિયમોનો ભંગ કરતી ત્રણ બોટ ઝડપાઈ

જૂનાગઢ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં થતા અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રવિવારે માંગરોળ મરીન પોલીસ અને SOG દ્વારા શીલબારા અને શેરીયાજ બારાના દરિયાઈ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સંયુક્ત પેટ્રોલીંગ અને સઘન ચેકિંગ દરમિયાન મત્સ્ય ઉદ્યોગના નિયમોનો ભંગ કરતી ત્રણ બોટ ઝડપાઈ હતી.સુરક્ષાના કારણોસર માછીમારોએ દરિયામાં જતા પહેલા અને પરત આવતી વખતે ઓનલાઈન ટોકન મેળવવું ફરજિયાત હોવા છતાં આ બોટ ચાલકોએ નિયમોને નેવે મૂકી ટોકન વિના જ જળસીમામાં પ્રવેશ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસે સૌપ્રથમ શીલબારા વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જ્યાં દરિયામાંથી પરત આવેલી બગદાદી-૧૧ નામની બોટને અટકાવી તેના કાગળો તપાસતા ટંડેલ દાઉદ ખમીસાભાઈ સમા પાસે માછીમારી માટેનું જરૂરી ટોકન મળી આવ્યું ન હતું. ત્યારબાદ, શેરીયાજ બારા વિસ્તારમાં પણ પોલીસે સપાટો બોલાવ્યો હતો. અહીં ચેકિંગ દરમિયાન મઢમ-૧ નામની બોટના ટંડેલ આહમદ સુલેમાનભાઈ સમા પણ ટોકન વિના ઝડપાયા હતા.

 

આ જ વિસ્તારમાંથી નાસીર જાનીભાઈ પટેલીયા નામનો શખ્સ એક રજીસ્ટ્રેશન નંબર વગરની મૌસ નામની શંકાસ્પદ હોડી લઈને માછીમારી કરતો મળી આવ્યો હતો, જેની પાસે હોડીના કાગળો કે ટોકન કશું જ ઉપલબ્ધ ન હતું. ઘણીવાર માછીમારો ભારતીય જળસીમા ઓળંગીને પાકિસ્તાન તરફ જતા રહેતા હોય છે, જે સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બાબત છે. નિયમોના આવા ગંભીર ઉલ્લંઘનને ધ્યાને લઈ માંગરોળ મરીન પોલીસે ત્રણેય બોટના ટંડેલો વિરુદ્ધ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદો-૨૦૦૩ અને સુધારા વટહુકમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(8:57 PM IST)