તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 25th November 2025
… જ્યારે ધર્મેન્દ્ર એ કહ્યું કચ્છ કા બહોત નામ સુના હૈ
છેલ્લે દોઢ મહીના પૂર્વે જ ધર્મેન્દ્રને મળેલા ગંગારામ મહારાજ અને મનસુખ શાહ એમની યાદોને વાગોળે છે

ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્ર સાથે મનસુખભાઈ શાહ અને ગંગારામ મહારાજ (“કોરા”શો રૂમ) નજરે પડે છે.
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : ધર્મેન્દ્ર !! બાળપણ અને યુવાનીમાં જે હીરોની ફિલ્મો જોઈને મોટા થયા હોઈએ અને આપણા માનીતા એ હીરોને રૂબરૂ મળવાનો અવસર મળે તો? અતિ ભાવુક સૂરે અને ગળગળા અવાજે “અકિલા” ના પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે વાત કરતા ભુજના મનસુખભાઈ શાહ કહે છે કે હજી દોઢ મહીના પૂર્વે જ હું કોરા શો રૂમના માલિક ગંગારામભાઈ સુંબડ (તેઓ ગંગારામ મહારાજ તરીકે વધુ જાણીતા છે) સાથે ધર્મેન્દ્રજી ને એમને બંગલે મળ્યો હતો. ત્યારે તેઓ સ્વસ્થ હતા અને તેમણે મારી સાથે હાથ મિલાવ્યો ત્યારે મને એમનો ફિલ્મી ડાયલોગ યાદ આવી ગયો યે હાથ નહીં ફૌલાદી પંજા હૈ. ૮૯ વર્ષની ઉંમરે પણ તેમના હાથની પકડ મજબૂત હતી સાથે પંજાબી મહેમાનગતિનો ઉષ્માભર્યો સ્પર્શ હતો. ધર્મેન્દ્રની મહેમાનગતિ માણનાર કોરા શો રૂમના ગંગારામ મહારાજ અને સામાજિક કાર્યકર મનસુખ શાહ બંને અભિનેતા ધર્મેન્દ્રને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહે છે કે, તેમની નિર્દોષતા, સરળતા અને પંજાબી મહેમાનગતિ સાથેનો ઉષ્માસભર આતિથ્યભાવ સદાય યાદ રહેશે.
આજે દેશ અને દુનિયામાં મેન્સ વેરમાં જેમનું નામ છે એ કોરા શો રૂમના માલિક ગંગારામ મહારાજ મૂળ કચ્છના જંગી ગામ (ભચાઉ)ના છે અને મુંબઈમાં સ્થાયી થયા છે. દેશભરના સેલિબ્રિટીઓ સહિત ફિલ્મ સ્ટારોના કપડાં કોરા શો રૂમ દ્વારા તૈયાર કરાય છે. ધર્મેન્દ્રના કપડાં તેમના દ્વારા જ તૈયાર કરાતા હતા. ગંગારામ મહારાજનો ધર્મેન્દ્રજી સાથે ઘરોબો હોઈ અમે એમના ઘેર જ મળવા ગયા હતા.
ઘેર નાસ્તા સાથે ચા પાણીના દોર વચ્ચે કચ્છ વિશે વાત નીકળી તો કહે, હા મૈને કચ્છકા બહોત નામ સુના હૈ. જોકે, તેઓ ક્યારેય કચ્છ આવ્યા નહોતા. કચ્છમાં મેડિકલ ક્ષેત્રે ગરીબ દર્દીઓ માટેની મનસુખભાઈ શાહની સેવાકીય પ્રવૃત્તિ વિશે ગંગારામ મહારાજ પાસેથી જાણી તેઓ ખૂબ જ ખુશ થયા હતા. આ વાતચીત દરમ્યાન તેમનો સરળ અને નિખાલસ સ્વભાવ યાદ કરતા મનસુખ શાહ કહે છે કે, ધર્મેન્દ્રજી એ કહ્યું હતું કે, ખુશ રહો ઓર ઐસે અચ્છે કામ કરતે રહો. ધર્મેન્દ્રજીના નિધનથી આપણે એક અચ્છા અને નેકદિલ ઇન્સાન ગુમાવ્યા છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
