તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th November 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 5 શખસોએ ATM તોડવા માટે કાવતરૂ ઘડ્યું : દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના હથિયારો સાથે ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત
અજય ઉર્ફે અંકિત ઉઘરેજાને પૈસાની જરૂર હતી જેથી બિરુકુમાર ચંદર્મારામ, રોકીરાજ સુરેશસિંહ કુશવાહ અને રવિશંકર રાજુ શાહ ત્રણેય બિહારથી રેલવે મારફતે અમદાવાદ સુધી આવ્યા હતા અને ત્રણેયને રાજકોટ હોટલમાં રૂમ ભાડે રખાવી આપ્યો'તો

( ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૪
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 5 શખસોએ ATM તોડવા માટે કાવતરૂ ઘડ્યું હતું. એને પોલીસે ઝડપી લીધા છે. દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, લોખંડની હથોડી સહિતના હથિયારો સાથે ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ શખસો ATM તોડે એ પહેલા જ પોલીસે ગેંગનો પર્દાફાશ કરી તમાને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી હથિયારો, સાધનો અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ચોટીલા પોલીસ સ્ટેશનની ટીમ સરકારી તેમજ ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, 24 નવેમ્બર, 2025 ના રોજ, ચોટીલા-થાનગઢ રોડ પરથી એક શંકાસ્પદ ફોરવ્હીલર ગાડી ચોટીલાથી થાનગઢ તરફ નાસી છૂટી હતી.
પોલીસે ગાડીનો પીછો કર્યો હતો. શંકાસ્પદ વાહન ચોટીલા-થાનગઢ રોડ પર આવેલા બાપા સીતારામ મંદિરની બાજુમાં આવેલા જંગલ વિસ્તારના અવાવરુ કાચા રસ્તે વળ્યું હતું. પોલીસે ગાડીને કોર્ડન કરીને રોકી હતી.
ગાડીની તપાસ કરતા તેમાંથી પાંચ ઇસમો મળી આવ્યા હતા. તેમની ઓળખ મેહુલ મકવાણા (રહે. રાજકોટ), અજય ઉઘરેજા (રહે. સુખપરા, તા. ચોટીલા), રોકીરાજ કુશવાહ (રહે. બિહાર), રવિશંકર રાજુ શાહ (રહે. બિહાર) અને બિરુકુમાર ચંદાર્મારામ રામે (રહે. બિહાર) તરીકે થઈ હતી.
આરોપીઓ પાસેથી અને ગાડીમાંથી કુલ રૂ. 2,63,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં એક દેશી હાથ બનાવટનો તમંચો, બે જીવતા કાર્ટીસ, એક લોખંડની હથોડી, એક નાનું ત્રિકમ જેવું હથિયાર, એક લોખંડ કાપવાની આરી, એક પતરા કાપવાની કાતર, આઠ બ્યુટેન ગેસની બોટલ (200 ગ્રામ), કેમેરા પર કલર કરવા માટેનો સ્પ્રે, ગેસ બોટલ પર લગાવવાની વાલ્વ વાળી સિંગલ નાળની નોઝલ, ડબલ નાળની નોઝલ, બે કાળા ચશ્મા, છ મોબાઈલ ફોન અને રૂ. 3500 રોકડાનો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, અજય ઉર્ફે અંકિત ઉઘરેજાને પૈસાની જરૂર હતી. આશરે એક મહિના પહેલા દિલ્હી ખાતે તેમની ઓળખાણ બિરુકુમાર ચંદર્મારામ સાથે થઈ હતી. અજય બિરુકુમારને કામ માટે રાજકોટ લાવ્યા હતા, ત્યારબાદ બિરુકુમાર બિહાર પરત ફર્યા હતા.
બાદમાં, અજયે બિરુકુમારને ફોન કરીને ATM તોડવાના કામ બાબતે વાત કરી હતી. જેના પગલે બિરુકુમાર ચંદર્મારામ, રોકીરાજ સુરેશસિંહ કુશવાહ અને રવિશંકર રાજુ શાહ ત્રણેય બિહારથી રેલવે મારફતે અમદાવાદ સુધી આવ્યા હતા અને ચોટીલા ખાતે અજય ઉર્ફે અંકિત મળ્યો હતો. ચોટીલાથી ચારેય ઇસમો રાજકોટ ગયા હતા. જ્યા અજયે તેના બનેવી મજકુર ઇસમ મેહુલને બોલાવ્યો જ્યારે મેહુલે રોકીરાજ તેમજ રવિશંકર તથા બિરૂકુમાર એમ ત્રણેયને રાજકોટ હોટલમાં રૂમ ભાડે રખાવી આપ્યો હતો.
ત્રણ ચાર દિવસ સુધી બધાએ ભેગા મળી ચોટીલા ખાતે એસ.બી.આઇ. બેન્કનું ATM તોડવાનું કાવતરૂ ઘડ્યુ હતું. અજય તેમજ મેહુલ બન્ને ATMની રેકી કરી ગયા બાદ તા. 20/11/2025ના રોજ રાજકોટ ખાતેથી તમામ આરોપીઓ સાથે રહી તમંચો તથા બે જીવતા કાર્ટીસ સાથે રાખી ATM તોડવા માટેનો સામાન ખરીદી કર્યો હતો. જે બાદ રાત્રીના નવેક વાગ્યે નિકળી ચોટીલા ખાતે ફરીવાર આવી ATMની રેકી કરી હતી. રવિવારની રાત્રી હોવાથી પાંચેય ઇસમો ATMની લૂંટ કરવા ધાડ પાડવાની તૈયારી કરી હતી. જોકે, ATM તોડે એ પહેલા જ ગેંગનો પર્દાફાશ થયો છે. ચોટીલા પોલીસે પાંચેય શખસોને ઝડપી લીધા હતા.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
