<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

મોરબીના રંગપર ગામે સિરામીક ફેકટરીના લેબર ક્‍વાર્ટરમાં આગ ભભૂકીઃ પાંચ દાઝ્‍યા

મુળ રાજસ્‍થાનના મજૂરો સુતા હતાં ત્‍યારે ગેસ લિકેજને કારણે દૂઘર્ટનાઃ સારવાર માટે પાંચેયને રાજકોટ ખસેડવામાં આવ્‍યા

રાજકોટ તા. ૨૪: મોરબીના રંગપર ગામે આવેલી સિરામીક ફેક્‍ટરીમાં કામ કરતાં અને ત્‍યાંના લેબર ક્‍વાર્ટરમાં રહેતાં    મુળ રાજસ્‍થાનના પાંચ મજૂરો લેબર રૂમમાં આગ ભભૂકતા ગંભીર રીતે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. ગેસ લિકેજ થવાને કારણે આગ લાગ્‍યાનું પ્રાથમિક રીતે બહાર આવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલા રંગપર ગામની રેબન સિરામીકના લેબર રૂમમાં આગ ભભૂકતા અંદર સુતેલા પાંચ મજૂરો દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. જેમાં મુળ રાજસ્‍થાનના ઇતવારી બંગાલીભાઇ હરજન (ઉ.વ.૨૨), શીવા ભરતભાઇ (ઉ.વ.૧૬), ત્રણ સગા ભાઇઓ સુરજ બક્ષીભાઇ (ઉ.વ.૨૫), અમન બક્ષીભાઇ (ઉ.વ.૨૩) અને વિનય બક્ષીભાઇ (ઉ.વ.૧૭)નો સમવોશ થાય છે. આ પાંચેય મુળ રાજસ્‍થાનના વતની છે અને એકાદ વર્ષથી રંગપર રહી સિરામીકમાં નોકરી કરે છે અને ત્‍યાં જ ફેક્‍ટરી પાછળ આવેલા લેબર રૂમમાં રહે છે. ગઇકાલે આ પાંચેય સવારે ભરઉંઘમાં હતાં ત્‍યારે એકાએક રૂમમાં આગ ભભૂકતાં લપેટમાં આવી ગયા હતાં. દેકારો મચી જતાં બીજા લોકો એકઠા થઇ ગયા હતાં અને આગ બુઝાવી હતી. ઘટના બની ત્‍યારે પાંચેય ભર ઉંઘમાં હોઇ વધુ દાઝી ગયા હતાં. મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ, યુવરાજસિંહ, રવિભાઇ, પ્રતાપભાઇ સહિતે મરોબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

મજુરના કહેવા મુજબ રાતભર ગેસના બાટલામાંથી ગેસ લિક થઇને રૂમમાં ભરાયો હતો. બાદમાં સવારે કોઇપણ કારણોસર સ્‍પાર્ક થતાં આગ ભભૂકી ગઇ હતી. અમે બધા ઉંઘમાં હોઇ જેથી ખરેખર આગ કઇ રીતે લાગી તેની અમને જાણ નથી. પણ ગેસ લિકેજ થયો હોવાની પુરી શક્‍યતા છે. મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:49 AM IST)