<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પોરબંદરના રાતીયામાં ગાયત્રી સામુહિક મંડળીના પ્રમુખની હત્‍યા

મંડળીના સભ્‍યો ન હોવા છતાં પરબત ઓડેદરા, કારા મોરી મંડળીની જમીનમાં વાવેતર કરતાં હોઇ ૬૩ વર્ષના દેવશીભાઇ કેશવાલાએ તેને અટકાવતાં પાઇપના ઘા ફટકાર્યાઃ રાજકોટમાં દમ તોડયોઃ માધવપુર પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨૧:  પોરબંદરના રાતિયા ગામે ગાયત્રી સામૂહિક સહકારી મંડળીની જમીનમાં ગેરકાયદે વાવેતર કરવાના મુદ્દે મડળીના પ્રમુખની હત્‍યા થતાં ચકચાર મચી ગઇ છે. મંડળીના પ્રમુખ ૬૩ વર્ષના દેવશીભાઈ ગાંગાભાઈ કેશવાલા પર બે શખ્‍સોએ ગત અઢારમી તારીખે લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરતાં તેમને માથામાં ગંભીર ઈજા થતાં હેમરેજ થઇ ગયું હતું. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. 

આ બનાવમાં માધવપુર પોલીસે બનાવને દિવસે હુમલામાં ગંભીર ઇજા પામનારા દેવશીભાઇના નાના ભાઇ  મ્‍યાજરભાઈ ગાંગાભાઈ કેશવાલા (ઉ.વ.૫૫-રહે. રાતિયા, પોરબંદર)ની ફરિયાદ પરથી રાતીયાના જ પરબત નાથાભાઇ ઓડેદરા અને કારા પરબતભાઇ મોરી વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનો દાખલ કર્યો હતો. દેવશીભાઇનું મોત થતાં હત્‍યાની કલમ ઉમેરાઇ છે. મ્‍યાજરભાઇ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તા. ૧૮/૧૧ના રોજ સવારના નવથી સાડાનવ વાગ્‍યાની આસપાસ આ બનાવ બન્‍યો હતો. તેમના મોટાભાઈ દેવશીભાઈ કેશવાલા, જેઓ ગાયત્રી સામૂહિક સહકારી મંડળીના પ્રમુખ હતાં તેઓ મંડળીની જમીન પર ગામના જ પરબત ઓડેદરા અને કારા મોરી તેઓ મંડળીના સભ્‍ય ન હોઇ છતાં ગેરકાયદેસર રીતે વાવેતર કરતાં હોઇ જેથી દેવશીભાઇ આ બંનેને વાવેતર કરવાની ના પાડવા ગયા હતા.

તે સમયે આરોપીઓ પરબત નાથાભાઈ ઓડેદરા અને કારા પરબતભાઈ મોરીએ ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ દેવશીભાઇને ગાળો ભાંડી હતી અને બાદમાં લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો.  ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર આરોપી પરબત નાથાભાઈ ઓડેદરાએ જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડના પાઈપ વડે દેવશીભાઈના માથામાં કપાળ ઉપર જમણી બાજુ ઘા માર્યો હતો, જેના કારણે તેમને હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્‍યું હતું. જ્‍યારે બીજા આરોપી કારા પરબતભાઈ મોરીએ પણ લોખંડના પાઈપ વડે દેવશીભાઈને ડાબા હાથમાં ઘા મારી ફ્રેક્‍ચર જેવી ઈજા પહોંચાડી હતી તથા પીઠના ભાગે મૂંઢ ઈજા કરી હતી.

હુમલા બાદ દેવશીભાઈને તાત્‍કાલિક માધવપુર સરકારી દવાખાને ખસેડાયા હતા, જ્‍યાંથી પ્રાથમિક સારવાર બાદ પોરબંદરની ગ્‍લોબલ હોસ્‍પિટલમાં અને વધુ સારવાર અર્થે રાજકોટની ગોકુલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ સારવાર દરમિયાન તેમનું મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. આ સમગ્ર મામલે ફરિયાદી મ્‍યાજરભાઈ કેશવાલાની ફરિયાદના આધારે માધવપુર પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. આર.જી. ચુડાસમાએ રાજકોટ ગોકુલ હોસ્‍પિટલ ખાતે આવી આરોપીઓ વિરૂદ્ધ હત્‍યાના પ્રયાસનો ગુનો નોંધ્‍યો હતો. દેવશીભાઇનું મોત થતાં હત્‍યાની કલમ ઉમેરાઇ છે.

હત્‍યાનો ભોગ બનેલા દેવશીભાઇ કેશવાલા તાલુકા પંચાયતના નિવૃત કર્મચારી હતાં. હાલ ગાયત્રી સામુહિક સહકારી મંડળીમાં પ્રમુખ પદે હતાં. તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. ત્રણ ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. દેવશીભાઇના પત્‍નિનું નામ નાથીબેન છે. તેમને સંતાન નથી. સવારે રાજકોટમાં દેવશીભાઇના મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવી માવધપુર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:14 PM IST)