<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

વિસાવદરના ઇશ્વરીયા (ગીર)માં આર્થિક સંકડામણથી ખેડૂતે આપઘાત કરતા અરેરાટીે

શૈલેષભાઇ સાવલીયાએ

જુનાગઢ, તા. ૧૭  : આર્થિક સંકડામણથી વિસાવદરના ઇશ્વરીયા (ગીર) ગામના ખેડૂતનો આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી. પાક નિષ્‍ફળ જતા મોતને મીઠું કરી લીધું હોવાનું સામે આવ્‍યું છે.

આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. પાક નિષ્‍ફળ જવાના કારણે ખેડૂતોની હાલત વધુ દયાજનક થઇ ગઇ છે. મોઢે આવેલ કોળીયો કુદરતી આફતના કારણે ઝૂટવાઇ જતા ધરતી પુત્રો આર્થિક સંકડામણમાં મૂકાઇ ગયા છે. આવા સંજોગોમાં ગઇકાલે વિસાવદર તાલુકાના ઇશ્વરીયા (ગીર) ગામના શૈલેષભાઇ દેવજીભાઇ સાવલિયા નામના ૪ર વર્ષીય ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી. શૈલેષભાઇને આઠ વીંઘા ખેતીની જમીન હતી. ડુંગળી, મગફળીની સાથે તુવેરનું પણ વાવેતર કર્યું હતું. પરંતુ મગફળી અને ડુંગળીનો પાક નિષ્‍ફળ જવાના કારણે શૈલેષભાઇ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયા હતા. જેના પરિણામે રવિવારે શૈલેષભાઇએ ઝેરી દવા પીને આત્‍મહત્‍યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી થઇ હતી.

ખેડૂતના આપઘાતની જાણ થતા પોલીસે દોડી જઇને યુવાનના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(1:42 PM IST)