<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

ધ્રોલના ખેંગારકામાં જાનવરનો કાળો કેર! માલધારી પરિવાર પર આભ તૂટયું, એકસાથે ૨૨ ઘેટાંના મોત

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ૧પઃ  તાલુકાના ખેંગારકા ગામમાં ગત મોડી રાત્રે  હૃદયદ્રાવક ઘટના બની છે, જ્‍યાં એક ભયાનક જંગલી જાનવરે માલધારી પરિવારના પશુધન પર હુમલો કરીને ૨૨ જેટલા ઘેટાંનો ભોગ લીધો છે. આ બનાવથી સમગ્ર ખેંગારકા પંથકમાં ભય અને શોકનો માહોલ ફેલાઈ ગયો છે. માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગાના વાડામાં ગત રાત્રે અચાનક કોઈક ખૂંખાર જંગલી જાનવર ત્રાટકયું હતું. અંધારામાં આ જાનવરે વાડામાં રહેલા નિર્દોષ ઘેટાં પર ઘાતકી હુમલો કર્યો હતો.

સવારના સમયે જ્‍યારે ભીખાભાઈ અને તેમના પરિવારે વાડામાં જઈને જોયું, ત્‍યારે ૨૦ થી ૨૨ જેટલા ઘેટાંના મળતદેહ વેરવિખેર પડ્‍યા હતા, જે જોઈને માલધારી પરિવાર પર જાણે આભ તૂટી પડ્‍યું હોય તેવી સ્‍થિતિ સર્જાઈ હતી. પશુપાલન પર નિર્ભર રહેતા ગરીબ માલધારી પરિવાર માટે આ એકસાથે ૨૨ ઘેટાં ગુમાવવાની ઘટના માત્ર આઘાતજનક જ નહીં, પણ લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન છે. માલધારી ભીખાભાઈ ઠુંગા અને તેમનો પરિવાર પોતાના મુખ્‍ય આવકનોસ્ત્રોત ગુમાવતાં ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાની ગંભીરતા અને વિસ્‍તારમાં ફેલાયેલા ભયને ધ્‍યાનમાં રાખીને તાત્‍કાલિક સ્‍થાનિક આગેવાનો દ્વારા ધ્રોલ પોલીસ સ્‍ટેશનને આ અંગેની જાણ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી.

(11:59 AM IST)