તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
કચ્છના વાંઢીયા ગામે અદાણી કંપની અને ખેડૂત વિવાદ: મહાસભા પૂર્વે જ કિસાન સંધના નેતાઓને પોલીસે ઉઠાવ્યા ?
ખાવડા કચ્છથી કેવીની હાઈપાવર વીજલાઈનના ટાવરો આગળ સૌરાષ્ટ્રના હળવદ વિસ્તારમાંથી પસાર થશે, વીજ ટાવર અને હાઈ પાવર વીજ રેખાઓને લીધે ખેતી અને ખેતીની જમીનને ભવિષ્યમાં થનાર નુકસાન મુદ્દે ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : કચ્છના ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે ખેતરમાંથી બળજબરીપૂર્વક વીજલાઈન નાખવા મુદ્દે અદાણી કંપની અને ખેડૂતો વચ્ચે ૨ મહિનાથી ઘર્ષણ ચાલુ છે. ગઈકાલે ફરી એકવાર અદાણી કંપની દ્વારા વીજલાઈન નાખવા બાબતે ખેતરમાં કામગીરી હાથ ધરાતા ખેડૂત પરિવારોએ કરેલ વિરોધના પગલે તંત્ર અને પોલીસ દ્વારા અટકાયત સહિતની કામગીરી કરાઈ હતી. તે વચ્ચે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોની તરફેણમાં ખેડૂતોનો અવાજ રજૂ કરવા ખેડૂત મહાસભાનું આયોજન કરાયું હતું. પરંતુ મળતી જાણકારી મુજબ આજે સવારે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના રાપર અને ભચાઉ તાલુકાના કિસાન સંઘના નેતાઓને વહેલી સવારે ગામડાઓમાંથી પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. કારણકે આજે કિસાન સંઘ દ્વારા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હોઈ તેનાથી ડરીને સરકાર દ્વારા અદાણી કંપનીના તરફેણમાં કિસાન નેતાઓને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, અત્યારે ખેડૂત વર્ગ મહાસભાની જગ્યા પર પહોંચી રહ્યા છે ત્યારે હવે આગળ જોવાનું રહ્યું સભા થશે કે નહીં? પોલીસ અને તંત્ર ખેડૂતોને સભા કરવા દેશે કે નહીં?
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
