<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

જુનાગઢના છો તો જુનાગઢની ચિંતા કરો, ગોંડલની શાંતિ ડહોળવાનું રહેવા દોઃ જીગીશા પટેલ

ગોંડલ પાલિકા કચેરીમાં ‘‘આપ''ના મહિલા નેતા અને ભાજપ નેતા મનસુખ સખીયા વચ્‍ચે ધડબડાટી

(જીતેન્‍દ્ર આચાર્ય-જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૩: છેલ્લાં એક બે અઠવાડીયા થી ગોંડલ નાં ગામડાંઓ માં જઈ લોક પ્રશ્‍નો જાણી ગોંડલ પંથકમાં ‘‘આપ'' નુ પ્‍લેટફોર્મ બનાવવાં મથી રહેલા આપનાં મહીલા નેતા જિગીશાબેન નગરપાલિકા કચેરીએ ચિફ ઓફિસરની ચેમ્‍બરમાં રજુઆત કરી રહ્યા હતા ત્‍યારે ત્‍યાં આવી પંહોચેલા નગરપાલિકા નાં પુર્વ પ્રમુખ અને ભાજપનાં આગેવાન મનસુખભાઈ સખીયા વચ્‍ચે શાબ્‍દિક ધબડાટી બોલી હતી. જેને લઇને ચેમ્‍બર પાસે ટોળા એકઠાં થયાં હતાં.

જિગીશા પટેલ પાલીકાનાં કેટલાક સફાઈ કામદારોનાં કાયમી હુકમ અંગેનાં જુના પ્રશ્‍નો અંગે ટ્રેની ચિફ ઓફિસર ટ્‍વિંકલબેન પટેલને રજુઆત કરી રહ્યા હતા. દરમિયાન તેમણે ગોંડલ નાં વિવિધ પ્રશ્‍નો અંગે રજુઆત શરૂ કરતા મનસુખભાઈ સખીયા ઉશ્‍કેરાયા હતા.અને જિગીશાબેન તમે જુનાગઢનાં છો તો જુનાગઢની ચિંતા કરો એવું કહી આડે હાથ લીધાં હતા.અને કહ્યું કે નાનામોટાં પ્રશ્‍નો દરેક ગામે ગામ  હોય પરંતુ કેટલાં કામ સારાં થયા છે.એ સ્‍વિકારો. વિકાસની દૃર્ષ્‍ટીએ ગોંડલ સૌરાષ્‍ટ્રમાં આગવું સ્‍થાન ધરાવે છે. ગોંડલની શાંતિને ડહોળવા પ્રયત્‍નો ના કરો.અહીં શાંતી છે.લોકો સુખી છે.મનસુખભાઈ સખીયાએ ટોણો મારતા કહ્યુ કે હમણાંથી કેટલાક લોકોને ગોંડલ માં ચુંટણી લડવી હોય બહારથી ગોંડલ દોડી આવી ખોટી ચિંતા દાખવી લોકોને ઉશ્‍કેરી રહ્યા છે. પરંતુ આ લોકો પ્રજાનો વિશ્‍વાસ જીતી નહી શકે.

સામાં પક્ષે જિગીશાબેન પટેલે પણ તેમની આક્રમક મુદ્રામાં દલીલો કરતા વાત વધી પડી હતી.આખરે જિગીશાબેન પટેલની સફાઈ કામદારો અંગેની લેખીત રજુઆત સ્‍વિકારાતા તેઓ રવાના થયાં હતા.

આમ આદમી પાર્ટીનાં સ્‍થાનિક મહીલા આગેવાન નિમિષાબેન ખુંટ પણ હમણાં થી ગોંડલ નાં લોકપ્રશ્‍નો અંગે વિડીયો વાયરલ કરી રહ્યા છે.બીજી બાજુ જિગીશાબેન પટેલ પણ જાણે ગોંડલ ને કેમ્‍પ બનાવી લોકપ્રશ્‍નો અંગે ગામડાની મુલાકાત લઇ રહ્યાનાં વિડીયો સોશિયલ મિડીયામાં ચમકી રહ્યા હોય વિધાન સભાનીચુંટણીને હજુ  બે વર્ષ ની વાર હોવા છતા ચુંટણી જેવું વાતાવરણ સર્જાયુ છે. 

(12:03 PM IST)