<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

જોરાવરસિંહ જાદવઃ સોળે કળાએ ખીલેલુ રંગ કસુંબલ નામ

તેઓએ પોતાનુ જીવન નિરક્ષર, ગરીબ, અંત્‍યોદય, મદારી, બજાણીયા, નટ, ભવાઇ કલાના ઉત્‍થાન માટે જીવન સમર્પિત કરી દીધુ'તુ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૩: પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ હોવુ એટલે...બસ આ પ્રશ્ન લઈ આ લેખ લખાયો છે. ચોર્યાસી વર્ષની આયુ, તેજોમય ચહેરો, વાતચિતમાં અદમ્‍ય આત્‍મવિશ્વાસ અને પાક્કા ગુજરાતી હોવાનુ ગર્વ એટલે જોરાવરસિંહ જાદવ.

એક પ્રસિધ્‍ધ ગુજરાતી લોકગીત છે, લાંબો ડગલો મુંછો વાકંડી  શિરે પાધડી રાતી , છેલ છબિલો ગુજરાતી ભઈ છેલ છબીલો ગુજરાતી. આ ગીત કદાચ જોરાવરસિંહ જાદવે અનુલક્ષીને જ લખાયુ હશે. કોઈ પરદેશી માણસ જોરાવરસિંહ જાદવને મળે તો એને ખ્‍યાલ આવે કે એક ઝીંદાદીલ ગુજરાતી કેવા હોય.

મેઘાણી પછીના મેઘાણી એટલે જોરાવરસિંહ જાદવ. લોકકલા, લોકસાહિત્‍ય, માટી અને ગ્રામ્‍ય જીવન અને જોરાવરસિંહ જાદવના પોતાના જ શબ્‍દમાં કહીએ તો લોકકલા, લોકસાહિત્‍યનુ કામ કરવુ એ દરિયો ઉલેચવા જેટલુ કઠીન છે. લગભગ સાઠ વર્ષથી લોકકલા લોકસાહિત્‍યમાં કામ કરનાર જોરાવરસિંહ જાદવ કહે છે કે વર્ષોથી જે કલાનુ પીંડ બંધાયુ છે એ કલાને સમજવા માટે, જાણવા માટે એક જન્‍મ તો ટુંકો પડે, અનેક જન્‍મો બાદ આ કલાને સમજી શકાય છે.

મદારી, રસ્‍તે રઝળતા કરતબબાઝો, દોરી પર ચાલતી મહિલાઓ, ઢોલીઓ, શરણાઈવાદનના કલાકારો વગેરેને કેવી રીતે તેઓ રાષ્‍ટ્રીય સ્‍તરે લઈ ગયા તેની વાત કરતા પહેલા લેખક જોરાવરસિંહ જાદવની વાત.

ધંધુકા નજીકના આકરૂ ગામના ખેડુત પરિવારમા્‌ં જન્‍મેલા જોરાવરસિંહ જાદવના પીતાજી શિક્ષણ પ્રેમી. જોરાવરસિંહને સારુ શિક્ષણ મળે એ માટે પહેલા ધંધુકા અભ્‍યાસમાં મુકયા. પછી વિચાર આવ્‍યો કે અમદાવાદ બેસ્‍ટ એટલે ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે બેસાડ્‍યા. એ પણ એમને ઓછુ લાગ્‍યુ એટલે એમને સેંટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા માટે બેસાડ્‍યા.

જે લોકો એમ માનતા હોય કે સેંટ ઝેવિયર્સ જેવી પ્રતિષ્ઠીત કોલેજમાં ભણ્‍યા હોય તે કાં તો મોટી વિદેશી કંપનીમાં નોકરીનુ વિચારે અથવા તો વિદેશ જવાનુ વિચારે. પરંતુ નોખી માટીના જોરાવરસિંહ જાદવ સેંટ ઝેવિયર્સમાં ભણીને અભણ, સાવ કંગાળ, અંત્‍યોદય એવા મદારીઓ, બજાણીયાઓ, નટ , ભવાયા વગેરેના ઉત્‍થાન માટે જીવન સમર્પીત કરી દીધુ.

પીઆરઓની નોકરી કરતા કરતા જીવ તો કલા અને લોકસંગીત, લોકબોલી, તેમનીસ્ત્રીઓની ગુંથણ કામની કારીગરી વગેરેમાં લાગ્‍યા કરે. આ સાથે મેધાણીના રવાડે ચડેલા એટલે લેખક બનવાના પણ ઓરતા અને તેના પરિપાકરુપે લખાઈ પ્રથમ વાર્તા. ચાંદનીમાં અશોક હર્ષે તેમની પ્રથમ વાર્તા છાપી.

ત્‍યાર બાદ આકાશવાણીમાં પરિચય વધ્‍યો. કોઈએ આકાશવાણી માટે શૌર્યકથા લખવાનુ કહ્યુ અને પ્રથમ વાર્તા સંગ્રહ મરદ કસુંબલ રંગ પ્રગટ થઈ. જોરાવરસિંહ જાદવ પ્રથમ એવા લેખક છે જેમની વાર્તાઓ પહેલા આકાશવાણીમાં શબ્‍દરુપે પ્રગટ થઈ અને ત્‍યારબાદ અક્ષરરૂપે.

જોરાવરસિહં જાદવના કુલ સોથી વધુ પુસ્‍તકો પ્રગટ થઈ ચુકયા છે. એટલે પદ્મશ્રી લેખક જોરાવરસિહં જાદવને મળ્‍યો છે કે કલાભિમુખ જોરાવરસિંહ જાદવને મળ્‍યો તેવો સુખદ મુંજારો તેમના ચાહકોને થયા કરતો હશે.

સદીઓ પછી કોઈ ગુજરાત ઓગણીસમી, વિસમી અને એકસવિસમાં સદીમાં કેવુ હતુ તેનો અભ્‍યાસ કરશે તો તેમને જોરાવરસિંહ દ્વારા કરાયેલ અદ્દભુત સંશોધન અને સામગ્રી ચપટી વગાડતા મળી જશે અને આ કામ માટે જોરાવરસિંહ જાદવ જ્‍યાં સુધી ગુજરાત અને ગુજરાતી ભાષા જીવશે ત્‍યાં સુધી યાદ રહશે. મોટે ભાગે આપણે આપણાં ઈતિહાસ અને સંસ્‍ક્‍ળતી માટે બહુ ઉદાસિન હોઈએ છીએ પરંતુ જોરાવરસિંહ દ્વારા જે ડોકયુમેટેશન કરવામાં આવ્‍યુ છે તે અદ્દભુત છે.

નોકરી કરતા કરતા વિચાર્યુ કે જો કલા અને ગરીબ દીન દુખિયા કલાકારો માટે કંઈક કરવુ પડશે તો તે ફુલ ટાઈમ જોબ તરીકે જ કરી શકાય. સાહસ કરી વોલેન્‍ટરી રિટાયરમેન્‍ટ લઈ જોરાવરસિંહ જાદવે ગુજરાત લોક કલા ફાઉન્‍ડેશન ટ્રષ્ટની સ્‍થાપના કરી. ટ્રષ્ટનો ઉદ્દેશ સાફ હતો, દારુણ ગરીબીમાં જીવતા અદ્દભુત કલાના કસબીઓને પ્‍લેટફોર્મ પુરુ પાડવુ, તેના માટે આજીવીકા ઉભી કરવી, તેમના બાળકો,સ્ત્રીઓ સારી રીતે જીવન ગુજરાન કરી શકે તે માટે જે કંઈ થાય તે કરવુ. અને શરુ થઈ ગુજરાત લોક કલા ફાઉન્‍ડેશનની સફર.

જોરાવરસિંહ જાદવને લોકકલા કાઉન્‍ડેશનની સ્‍થાપના કરવાનો વિચાર આવ્‍યો તેની પાછળ પણ એક બીજી પણ વાત છે,  મેઘાણીભાઈના અવસાન નીમીત્તે  દુલાભાયા કાગે એક દુહો લખ્‍યો હતો, કે મેઘાણીતો નિર્વાણ પામી ગયા પરંતુ સોરઠ, કાઠિયાવાડના જેટલા દુહા છંદ અને લોકગીતો છે તે પણ લોહીના આંસુએથી રડી રહ્યાં છે. બસ આજ દુહો જોરાવરસિંહ જાદવના હૃદયને જુદી રીતે સ્‍પર્શી ગયો.

જોરાવરસિંહ જાદવના કલાપ્રત્‍યેના ઝુનુન અને સમર્પણને પોંખવા માટે તેમને પદ્મશ્રીથી નવાજમાં આવ્‍યા છે આ ઉપરાંત હાલ મોદીએ જોરાવરસિંહ જાદવને ભારતિય સંગીત અકાદિમીના વાઈસ ચેરમેન પદે નિમણુંક આપી તેમની કલાની કદર કરી છે. જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી મળ્‍યો તેનો આનંદ તો છે જ પરંતુ તેમને મન પદ્મશ્રી કરતા બે મોટા એવોર્ડ તેમને સમજુનાથ અને ગુલાબોને મળેલી સફળતાએ અપાવી દીધા છે.

હાલ ચોર્યાશી વર્ષની આયુ છતા કોઈ પણ યુવાનને શરમાવે તેવી તાઝગી, સ્‍ફુર્તી અને કલા પ્રત્‍યેનુ ઝુનુન હજુ એવુને એવુ જ છે. માતા સરસ્‍વતીની કળપી જાદવ પરિવાર પર અવિરત વરસતી રહી છે. જોરાવરસિંહ જાદવના પુત્ર નરેન્‍દ્રસિંહ જાદવ ગુજરાતના સૌથી પ્રતિષ્ઠીત ટીવી જર્નાલીસ્‍ટ અને એડિટર છે. રાત્રે આવતા ગુજરાતી ડિબેટ શોમાં નરેન્‍દ્રસિંહ જાદવ પોતાનુ કૌવત દર્શાવતા રહે છે.

ફરી એક વખત થેન્‍કયુ જોરાવરસિંહ જાદવ , મારી ભાષા..આપણી ભાષા...સદાકાળ ગુજરાતની લોકકલા, લોકસંસ્‍કળતીને જીવંત રાખવા, સેંકડો ભીષણ ગરીબીમાં પીસાતા કલાકારોને ઉધ્‍ધાર કરવા માટે...

લેખક-મહેન્‍દ્ર બગડા

(લેખક પ્રતિષ્ઠીત ટીવી જર્નાલીસ્‍ટ અને ટીવી પર આવતા લોકપ્રિય કાર્યક્રમ ભાઈ ભાઈના એંકર છે.  (મો.૯૯૦૯૯ ૪૧૫૩૬)

(11:59 AM IST)