<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th November 2025

ખેડૂત આક્રોશ યાત્રા : જામનગર જિલ્લાના રાવલમાં ભવ્‍ય જનસભા

સરકાર યોગ્‍ય નિર્ણય નહિ લે તો આંદોલન વધુ તીવ્ર બનશે : મુકુલ વાસનીક : ખેડૂતોના દેવા માફી ના થાય ત્‍યાં સુધી લડત લડવાનો સંકલ્‍પ : ઉદ્યોગપતિઓ માટે સરકારની તિજોરી ખુલ્લી છે પણ ખેડૂતો માટે નહીં : અમિત ચાવડા : હવે સરકાર બદલવાનો સમય થઈ ગયો છે : ડો. તુષારભાઈ ચૌધરી

રાજકોટ, તા.૧૩: ગુજરાતના ખેડુતોની સમસ્‍યાઓને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગત ૬ નવેમ્‍બરથી સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રા જામનગર જિલ્લાના રાવલ ખાતે પહોંચી હતી જ્‍યાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની અધ્‍યક્ષતામાં ભવ્‍ય જનસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્‍યું કે સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા કાલે દ્વારકા પહોંચશે, છતાં પણ સરકાર હજુ કુંભકર્ણની નિંદ્રામાં છે કેન્‍દ્ર અને રાજ્‍ય બંનેની ભાજપ સરકારને હું કહેવા માગું છું કે જો તેઓ ઊંઘમાંથી નહીં જાગે અને ખેડૂતોના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા તથા દેવા માફી અંગે યોગ્‍ય નિર્ણય નહીં લે, તો આંદોલન અટકશે નહીં કોંગ્રેસની આ લડત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં આ આંદોલન વધુ તીવ્ર બનશે.

ખેડુત આક્રોશ યાત્રાને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  અમિતભાઈ ચાવડાએ જણાવ્‍યું કે રાજ્‍યમાં સરકારની નીતિઓના કારણે ખેડૂતો આત્‍મહત્‍યા કરી રહ્યા છે સરકારે ૧૦ હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી પરંતુ હકીકતમાં ખેડૂતને પેકેજના નામે પડિકું આપ્‍યું છે પેકેજથી ખેડૂતને વિધે ફક્‍ત ૩૫૦૦ રૂપિયા મળશે ત્‍યારે ખેડુત આત્‍મહત્‍યા ન કરે તો શું કરે?

ગુજરાતના ૫૦ લાખથી વધુ ખેડૂતોએ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે, એટલે કે એક ખેડૂતના માથે ૫૬ હજાર રૂપિયાનું દેવું છે. માવઠાના કારણે આખો પાક બરબાદ થઈ જાય અને એની સામે વિધે ફક્‍ત ૩૫૦૦ રૂપિયા મળે તો એ ખેડૂતનો ઉપહાસ છે.

સરકાર ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા માફ કરી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા માટે તૈયાર નથી ઉદ્યોગપતિઓ માટે તિજોરી ખુલ્લી છે પરંતુ ખેડૂતો માટે કેમ નહિ ? માવઠાના નુકસાન પછી ખેડૂતો આશા રાખી રહ્યા હતા કે સરકાર મદદ કરશે, પરંતુ સરકારે મદદની જગ્‍યાએ ફક્‍ત ફોટોગ્રાફી કરી અને પેકેજના નામે પડિકું આપ્‍યું. આ જુઠ્ઠું બોલવાવાળી, દંભી સરકાર છે.

CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્‍યું કે ખેડૂતની એક જ ઈચ્‍છા છે અમારું દેવું માફ કરો જો સરકાર પાસે ઈચ્‍છાશક્‍તિ હોય તો બધું શકય બને ૨૦૦૮માં મનમોહનસિંહજીની કોંગ્રેસ સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું માફ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો અને ૭૧ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું ૧૯૮૭-૮૮માં સૌરાષ્‍ટ્રમાં દુકાળ પડ્‍યો ત્‍યારે અમરસિંહ ચૌધરી મુખ્‍યમંત્રી હતા. તેમણે ઢોરવાડા ગામે ગામ ખોલાવ્‍યા હતા, ઢોરોને ખવડાવવા માટે સૂકી શેરડી પહોંચાડવામાં આવી હતી અને એકપણ ખેડૂતને મરવા દીધો ન હતો.

આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, સેવાદળ કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ લાલજીભાઈ દેસાઈ, વડગામના ધારાસભ્‍ય જીજ્ઞેશભાઈ મેવાણી, પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, દ્વારકાના જિલ્લા અધ્‍યક્ષ શ્રી પાલભાઈ આંબલિયા તેમજ વરિષ્ઠ નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્‍યામાં સ્‍થાનિક ખેડૂત ભાઈઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:32 AM IST)