<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th November 2025

સરકારી મગફળી લઇને જતા ટ્રકને થાન પાસે અકસ્‍માતઃ બોરીઓની લૂંટ

ધોળેશ્વર રેલ્‍વે ફાટક ઉપર બેરિકેટ સાથે અથડાયોઃ ગોંડલ જતો'તોઃ મગફળી લેવા પડાપડી થઇઃ કુતૂહૂલ ભરી ઘટના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧ર :..  થાન  વિસ્‍તારમાં આવેલા ધોળેશ્વર રેલવે ફાટક પાસે આજે સવારે સરકારી મગફળી લઈને જતાં એક ટ્રકને ભયાનક અકસ્‍માત નડ્‍યો હતો. જેથી ટ્રકમાં રહેલી મગફળીઓની બોરીઓ રસ્‍તા ઉપર આવી ગઈ હતી. આ અકસ્‍માત પછી ત્‍યાંથી પસાર થતાં યાત્રીઓ સહિત આસપાસના સ્‍થાનિક લોકો, મહિલાઓ અને વાહન ચાલકોએ રીતસરની મગફળીની લૂંટ ચલાવી હતી. આ અકસ્‍માતથી રસ્‍તા પર કુતૂહલનું માહોલ સર્જાયું હતું. આ દરમિયાન લોકો મગફળી માટે પડાપડી કરીને બોરીઓ લઈ જતા જોવા મળ્‍યા હતા. પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીને તપાસ શરૂ કરી અને ટ્રાફિક દૂર કર્યો હતો

    આ અકસ્‍માત થાના સરકારી ગોડાઉનમાંથી મગફળીના સ્‍ટોકને ગોંડલ તરફ લઈ જતા ટ્રક સાથે બેરિકેટ અથડાયા પછી બન્‍યો હતો. મળતી માહિતી અનુસાર, ટ્રક ડ્રાઇવરને રેલવે ફાટકની બેરિકેટ નજર ન આવતાં અથડાઈ ગયું હતુ, આનાથી ટ્રકમાંથી સરકારી મગફળીથી ભરેલી અનેક બોરીઓ રસ્‍તાઓ પર પડી ગઈ હતી.

આસપાસના ગ્રામીણ વિસ્‍તારોમાંથી આવેલા લોકો, મહિલાઓ અને પસાર થતા વાહન ચાલકોએ તાત્‍કાલિક તકનો લાભ લઈને બોરીઓને ઉપાડવાનું શરૂ કરી દીધું. કેટલાક વીડિયો ફૂટેજમાં લોકો પડાપડી કરતા અને બોરીઓને ગાડીઓ ભરતા નજરે પડ્‍યા હતા.

આ અકસ્‍માત પછી રસ્‍તા ઉપર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્‍થાનિક રહિશોના જણાવ્‍યા અનુસાર, મગફળીની બોરીઓને જોતાં લોકોને લાલચ ઉભી થઈ હતી.

ડ્રાઇવરની લાપરવાહી કે રસ્‍તાની સ્‍થિતિનું કારણ જાણવામાં આવી રહ્યું છે.

ટ્રાફિક પોલીસે રેલવે ફાટક અને આસપાસના વિસ્‍તારમાં વાહનોને ડ્રાઈવર્ડ કરીને રસ્‍તો સાફ કર્યો, જેથી વધુ જામ ન થાય.આ ઘટના સુરેન્‍દ્રનગર જિલ્લામાં મગફળી જેવા મહત્‍વના પાકના વેપારને લગતી સરકારી મિલકતની સુરક્ષા અને અકસ્‍માત પછીના લોકોના વર્તનને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. જિલ્લામાં મગફળીનું વિશાળ ઉત્‍પાદન થાય છે. આ અકસ્‍માત પછી સરકારને આંશિક અંશે આર્થિક નુકશાન થયું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્‍યું કે, આવી ઘટનાઓમાં લોકોને કાયદાનું પાલન કરવું જરૂરી છે.

(10:51 AM IST)