તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
ધ્રોલ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોને રડાવી દીધા : મગફળી કાળી પડી
હવે ટેકાના ભાવે ખરીદીમાં મગફળી ચાલશે કે કેમ તેવા ખેડુતોના પ્રશ્નો ?: સરકાર દ્વારા ૯ નવેમ્બરથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય, પણ ગુણવત્તાના માપદંડો હળવા થશે કે કેમ ?

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૭ : ધ્રોલ પંથકમા વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમાણી પર પાણી ફેરવી દીધું છે. ખેતરોમાં પડેલો પાકેલો મગફળીનો માલ પાણીમાં ભીંજાઈ જતાં કાળી પડી ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે નુકસાનમાં મુકાયા છે. સરકાર દ્વારા આગામી ૯મી તારીખથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં એક ખેડુત ખાતામાંથી ૧૨૫ મણ સરકાર ખરીદી કરશે તેવી સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક ખેડૂતોનુ માનવું છે કે, કમોસમી વરસાદના કારણે મગફળી કાળી પડી ગઇ છે અને તેના રંગ તેમજ ભેજના પ્રમાણમાં ફેરફાર આવી શકે છે. પંથકમા મોટાં ભાગના ખેડુતોની મગફળી પલળી ગઈ છે જેથી કાળી પડી છે. જો ખરીદી કેન્દ્રો પર ગુણવત્તાના નામે આ પાકને રિજેક્ટ કરવામાં આવશે, તો ટેકાના ભાવનો લાભ માત્ર કાગળ પર રહી જશે. મોટાભાગના ખેડૂતોને આ મહામૂલી યોજનાનો કોઈ ફાયદો નહીં મળે.
ધ્રોલ પંથકમાં હાલ ખેડૂતોના ચહેરા પરથી આશાનું હાસ્ય ઓગળી ગયું છે. રિજેક્શનનો ડર, ખેડૂતોને નિરાશાના ઊંડા ગર્તમાં ધકેલી રહ્યો છે. જો સરકારે તાત્કાલિક ધોરણે કાળી પડેલી મગફળી ખરીદવાની ખાતરી નહીં આપી, તો ખેડૂત ટેકાના ભાવની યોજના હોવા છતાં બજારમાં લૂંટાવવા માટે મજબૂર થઈ શકે છે
ખેડુતોની વેદના મગફળી કાઢવો સમય દરમિયાન અચાનક પડેલા કમોસમી વરસાદે મોટું નુક્સાન થયું છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર આ સ્થિતિમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદશે નહીં, તો તેમના માટે જીવનનિર્વાહનું મોટું સંકટ ઊભું થશે. વર્ષભર મહેનત કરીને જે પાક તૈયાર કર્યો, તે માંડવી હવે કાળી પડી ગઇ છે સરકાર મદદ ન કરે તો ખેડુતો નું શું થશે ? એવો સવાલ અનેક ખેડૂતો મા ચર્ચા થઈ રહી છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
