તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th November 2025
સૌરાષ્ટ્રનું અણમોલ રતન પુરાતત્વના ‘પુરુષોત્તમ': પી.પી.પંડયા
કાલે ૮ નવેમ્બર ૧૦૫મી જન્મજયંતિ : સૌરાષ્ટ્રના પ્રાચીનતમ ઈતિહાસને પુરાતત્વીય આધાર સાથે વિશ્વફલક પર મુકનારનું નામ અભિલેખાગારો, સંગ્રહાલય, શાળાઓ સાથે જોડી અંજલી આપી શકાય * પી.પી.પંડયાએ પુરાતત્વ વિભાગમાં ૧૦ જ વર્ષોમાં ૧૦૦ વર્ષનું ‘ન ભૂતો ન ભવિષ્યતી' જેવુ કાર્ય, ૩૯ વર્ષના જ આયુમાં કર્યુ છે. * SGVP સંસ્થા અમદાવાદે ‘પુરાતત્વ મહારત્ન' એવોર્ડથી સન્માનિત કરી આપણા સૌ ગુજરાતીઓનુ ગૌરવ વધાર્યુ છે

સૌરાષ્ટ્ર એ એક પ્રદેશ નહીં પરંતુ ભવ્ય સંસ્કૃતિ રહી છે. આ સંસ્કૃતિને વિશ્વની અન્ય સંસ્કૃતિઓ સાથે માનભેર સ્થાન આપવાનું કઠીનકાર્ય કોઈ દ્વારા સિદ્ધ થયું હોય તો તે આપણા જ પુરાતત્વવિદ પી.પી. પંડયા સાહેબ દ્વારા થયું છે. આપણને ગૌરવ એટલા માટે થાય કે આપણી જ એક વ્યક્તિએ આપણી જ દિવ્ય સંસ્કૃતિને વિશ્વમાં ભવ્ય સ્થાન અપાવી તેને માનભેર વૈશ્વિક પુરાતત્વવિદો અને ઇતિહાસકારોની કલમે કંડારવાની ફરજ પાડી છે.
અંગ્રેજોના ગુલામી કાળમાં અંગ્રેજી ભાષાના પ્રભુત્વવાળા સમયમાં અંગ્રેજોની ગુરુતાગ્રંથિ વચ્ચે પી.પી. પંડ્યા સાહેબે આપણા પુરાતત્વ સ્થળોને પુરાવા સાથે વિશ્વના પુરાતત્વીય સ્થળોમાં સ્થાન અપાવવા જે જહેમત ઊઠાવી હતી તે એક તપસ્વી સાધકની સાધનાથી સહેજ પણ ઉણું ઉતરે તેમ નથી.
પ્રકૃતિના ઉપાસકોની આ સંસ્કૃતિમાં પુરાતત્વ એ તેનો આત્મા હોય છે, તેનું પોષણ રાજપુરોહિત પ્રેમશંકરદાદાના પરિવારમાં થાય તે પણ સંસ્કૃતિની એક પૂજા જ ગણાય. કોટડા સાંગાણી ખાતે ઈ.સ.૧૯૨૦માં પી.પી. પંડયાનો જન્મ થયો. ધનતેરસ જેવા પાવન દિવસે જન્મ પામેલા પુરુષોત્તમ સૌરાષ્ટ્રના પુરાતત્વના ઇતિહાસ માટે દિવાળી લાવ્યા હતા.
જન્મથી જ પ્રકૃતિ પુરાતત્વ તરફ પોષાયેલી, આથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી બે પુરાતત્વના મહાપુરુષો હસમુખભાઈ સાકળિયા અને પ્રો.બી. સુબ્બારાવ સાહેબના સાનિધ્યે પુરાતત્વની સાધના શરૂ થઈ. પરિણામ સ્વરૂપે ખૂબ જ નાની ઉંમરે સૌરાષ્ટ્રના આશરે ૨૦૦ જેટલા વિવિધ નાના-મોટા ટીંબાઓની શોધ વતનના આ રતન દ્વારા થવા પામી.
પુના ખાતે કાર્યરત પ્રખર પુરાતત્ત્વવિદ્ હસમુખભાઈ સાકળિયા અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગના વડા પ્રો. બી. સુબ્બારાવ સાહેબ પી.પી. પંડયમા રહેલ પુરાતત્વની સંજય લ્લષ્ટિને પારખી ગયા હતા. તેઓ તેમની આ વિરાસતનો લાભ રાષ્ટ્રીય કક્ષાએ મેળવવા માંગતા હતા. પરંતુ પી.પી. પંડયા પોતાના વતન સૌરાષ્ટ્રમાં રહેલા પુરાતત્વીય ખજાનાને ઉજાગર કરવા માંગતા હતા.
આથી જ પોતાની વ્યક્તિગત કારકિર્દી કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિદ્ધ થવા જઈ રહી હતી તેને ત્યજી પોતાના વતન માટે જ કેન્દ્રિત કરી, આ કોઈ નાનો મોટો ત્યાગ ન હતો. આ ત્યાગને હું ગિરનારી સાધકની સાધના સાથે સરખાવું છું. દીવ્યતીર્થ ગિરનારની ગોદમાં પાંગરેલી સૌરાષ્ટ્રની ભવ્ય સંસ્કૃતિના સાધક એટલે પી.પી પંડ્યા.
રાષ્ટ્રીય કક્ષાએ જવાને બદલે પોતાના વતનમાં કામ કરવાની નેમને લઈ તેઓ વર્ષ ૧૯૫૦માં જામનગર મ્યુઝિયમમાં ક્યુરેટર તરીકે જોડાય છે. અહીં તેમણે ૧૦ જ વર્ષમાં ૧૦૦ વર્ષ જેટલુ ‘ન ભૂતો ન ભવિષ્યતી' જેવું કામ કરી બતાવ્યું. ઇતિહાસના રસિકો, વાચકો, વિદ્યાર્થીઓ, સંશોધકો, અધ્યાપકો માટે દીવાદાંડી સમાન આ કાર્ય હતું. ૧૯૫૦ થી ૧૯૬૦ના દાયકામાં આશરે ૧૨૦૦ માઈલનો પગપાળા પ્રવાસ પુરાતત્વ માટે કરી લગભગ ૨૦૦ જેટલા ટીંબાઓ શોધવાનું ભગીરથ કાર્ય આ ‘પુરુષોત્તમ' દ્વારા સિદ્ધ થયું. એમાં પણ રોજડી અને ખંભાલિડાનુ કાર્ય અભૂતપૂર્વ રહ્યું. રોજડી ખાતે તો અમેરિકાની પેન્સિલવેનીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સંશોધન અભ્યાસ અર્થે આવેલા. બંને સંશોધન કાર્યોમાં વિદેશી સંશોધકો અને પુરાતત્વવિદોએ ખૂબ ઉત્સાહભેર રસ લઈ ગુજરાત પુરાતત્વ ક્ષેત્રનું ગૌરવ વધાર્યું. આ બંને સ્થળના ઉત્ખનન અને સંશોધન પાછળ પી. પી. પંડયા સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી.
વાહનવ્યવહારની અગવડતા, ભૌતિક સાધનોની ઊણપ અને તંત્રનો જોઈએ તેઓ સહકાર નહીં, તેમના સાથીઓનો નિરુત્સાહ-આમ છતાં વતન માટે કંઈક કરી ચુકવવાની તેમની કટિબદ્ધતાએ સૌરાષ્ટ્ર પુરાતત્વનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખી શકાયો.
પુરાતત્વના આ વાસ્તવમાં 'પુરુષોત્તમ' હતા. જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમને પ્રિય એવી આ સૌરાષ્ટ્ર ભૂમિ (જેનો ઉલ્લેખ મહાભારતના વનપર્વમાં પણ છે) ને ઇતિહાસ-પુરાતત્વોમાં અમર સ્થાન અપાવનાર આપણા 'પુરુષોત્તમ'ને કોટી કોટી પ્રણામ.
પુરાતત્વના પૂર્ણ પુરુષોત્તમ પી. પી. પંડયા માટે આવનારી પેઢી અવગત થાય તે માટે આપણે તેના કાર્યોને વધુ સારા ફલક પર ઉજાગર કરવા રહ્યા. ‘પુરુષોત્તમ' નામધારી આ પુરાતત્વના પૂજારીએ પુરુષોત્તમની દ્વારિકા માટે જે કાર્ય કર્યું તે શબ્દોમા વર્ણવી શકાય નહીં. ઓખામંડળ તેમજ ભાદરકાંઠા અને વસઈ પરના સંશોધનો અને ખોદકામ પર તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે. હરિ અને હરની આ દિવ્ય ભૂમિને તેનો ભવ્ય વૈભવ ઉજાગર કરી વિશ્વ ફલક પર નવી પેઢી સુધી પહોંચાડવાનું દૈવી કાર્ય આ મહાપુરુષ દ્વારા સંપન્ન થવા પામ્યું છે. મ્યુઝિયમની કામગીરી પર તેની વિશેષ પકડ રહી હતી. તે દ્રઢપણે માનતા હતા કે, 'શોધાયેલા શિલ્પોની તેમજ વિવિધ પુરાતત્વીય અવશેષોની વ્યવસ્થિત રીતે જાળવણી થવી જોઈએ'. આ માટે મ્યુઝિયમનુ સુચારુ સંચાલન થવું અનિવાર્ય છે.
મ્યુઝિયમની જાળવણી તેમજ તેના વ્યવસ્થાપન વિશે તેઓ ઘણું સારું જ્ઞાન ધરાવતા હતા. તેમણે મ્યુઝિયમ અને મ્યુઝિયમની જાળવણી અંગેના ઘણા સંશોધિત લેખો લખ્યા હતા. જે ખૂબ પ્રતિષ્ઠિત જગ્યાએ પ્રકાશિત થવા પણ પામ્યા હતા. પુરાતત્વના આ પૂજારી એ પગપાળા પ્રવાસ કરી અમૂલ્ય અવશેષો શોધી તેને તેની જાળવણી માટે મ્યુઝિયમમાં વ્યવસ્થાઓ પણ કરી હતી. પુરાતત્વના ક્ષેત્રમાં અમૂલ્ય સેવા આપનાર આ ‘પુરુષોત્તમ' વાસ્તવમાં એક સાધક સિધ્ધ થયા.
૦૮/૧૧/૧૯૨૦ થી ૧૨/૦૨/૧૯૬૦ સુધીની ૩૯ વર્ષ, ત્રણ માસ અને ચાર દિવસનો આ પુરુષોત્તમનો આ પ્રવાસ માત્ર પુરાતત્વ માટેનો જ રહ્યો. આ ટૂંકી યાત્રા દરમિયાન તેમણે અનેક પુરાતત્વોના સ્થળો પ્રસાદ સ્વરૂપે નવી પેઢીને અર્પણ કર્યા છે. આ દરેક પ્રસાદીય પુરાતત્વીય સ્થળ પર ઘણું કામ કરવાનું બાકી છે આ દરેક સ્થળ શ્રેષ્ઠતમ પ્રવાસન સ્થળ બની શકે તેમ છે. તત્કાલીન સરકાર અને તંત્ર દ્વારા પી. પી. પંડયાને ઘણો અન્યાય થયો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે, તેમના પ્રમોશનથી લઈ પગાર ધોરણ સુધીની બાબતોમાં તંત્ર દ્વારા તેમના પર ધ્યાન દેવાયું નહીં. તેમને વર્ષ ૨૦૨૦માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અમદાવાદ દ્વારા ‘પુરાતત્વ મહારત્ન' એવોર્ડ આપી સન્માનિત કરી આપણા સૌ ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે.
ગુજરાતમાં આવેલા અભિલેખાગારો સાથે તેનું નામ જોડી શકાય અથવા તો કોઈ શાળા-મહાશાળાને તેમનું નામ આપી અંજાલિ આપી શકાય. શક્ય હોય તો કોઈ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ સાથે પણ તેમનું નામ જોડી તેમણે કરેલા પુરાતત્વોના કાર્યને નવી પેઢી સુધી પહોંચતા કરી શકાય. સૌરાષ્ટ્રના પ્રાચીનતમ ઈતિહાસને પુરાતત્વીય આધારો સાથે વિશ્વફલક પર એક નવા જ લ્લષ્ટિકોણથી મુકવામાં સફળ થનાર આ પુરુષોત્તમ પર આજ સુધીમાં કોઈ ઇતિહાસના સંશોધકે પીએચ.ડી. ની ઉપાધી પણ મેળવી નથી. એ વાત બહુ આઘાતજનક છે.
હાલ પરેશભાઈ અને તેનો પરિવાર પુરુષોત્તમના પુરાતત્વીય પ્રેમને પોષવાનું અદભૂત કાર્ય કરી રહ્યા છે. પરંતુ, ગુજરાત તેમજ ભારત સરકારના પુરાતત્વ વિભાગે તેમનું નામ કાયમ રહે તે માટે કંઈક કરવું ખૂટે.
આલેખનઃ
પ્રો.(ડો.)વિશાલ આર.જોષી
પ્રોફેસર અને અધ્યક્ષ (પૂર્વ), ઈતિહાસ વિભાગ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,જૂનાગઢ
સંપર્કઃ [email protected]
(મો. ૯૪૨૯૪૮૮૮૮૦)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
