<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

સુરેન્‍દ્રનગરના કટુડા પાસે ૧.૭૦ લાખ ભરેલ બેગની લૂંટ

સુરેન્‍દ્રનગરનો ધવલ શેઠ આવતો હતો ત્‍યારે ૩ શખ્‍સોનું કારસ્‍તાન

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૬ : સુરેન્‍દ્રનગરમાં રહેતો યુવાન રાજસીતાપુર ગામે મેડીકલ સ્‍ટોર અને મની ટ્રાન્‍સફરનો ધંધો કરે છે. તા. ૪-૧૧ના રોજ તે ૩ દિવસનો વકરો થેલામાં લઈને રાજસીતાપુરથી સુરેન્‍દ્રનગર આવતો હતો. ત્‍યારે કટુડા પાસે બાઈક પર આવેલા ૩ શખ્‍સોએ રૂપીયા ૧.૭૦ લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. અને ખેતરોમાં ફરાર થઈ ગયા હતા. જયારે આરોપીઓ મુકી ગયેલ બાઈક તે જ દિવસે સાંજે મેથાણ ગામેથી ચોરી થયાનું ખુલ્‍યુ છે.

 સુરેન્‍દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્‍ડ હોસ્‍પીટલ સામે આવેલ મિત્ર મંડળ સોસાયટીમાં ૩૨ વર્ષીય ધવલભાઈ જયેશભાઈ શેઠ રહે છે. તેઓ રાજસીતાપુર ગામે તેમના મામા ભાવેશભાઈ હસમુખભાઈ શેઠનું પુજા મેડિકલ સ્‍ટોર ચલાવે છે. અને સાથે સાથે મની ટ્રાન્‍સફરનો વ્‍યવસાય પણ કરે છે. તા. ૪-૧૧ના રોજ સાંજે ૮ વાગે તેઓ દુકાન બંધ કરીને ૩ દિવસનો વકરો રૂપીયા ૧.૭૦ લાખ લઈને બાઈક લઈને સુરેન્‍દ્રનગર પોતાના ઘરે આવતા હતા. જેમાં પૈસા એક લેધરના બ્રાઉન કલરના થેલામાં મુકી થેલો ખભે ટીંગાડેલો હતો. ત્‍યારે ધ્રાંગધ્રા-સુરેન્‍દ્રનગર હાઈવે પર કટુડા પાસે પહોંચતા આશરે ૮-૧૫ કલાકે પાછળથી એક બાઈક પર ત્રણ લોકો સવાર હતા તે બાઈક તેમણે ધવલભાઈના બાઈક જોડે કર્યુ હતુ.

તેમાં બેસેલા એક શખ્‍સે ધવલભાઈના બાઈકને પાટુ માર્યુ હતુ. ત્‍યારબાદ બીજા શખ્‍સે બીજુ પાટુ માર્યુ હતુ. આ સમયે ધવલભાઈ બાઈક સહિત ઉભા રહી ગયા હતા. જયારે ત્રણેય શખ્‍સો બાઈક સહિત નીચે પટકાયા હતા. અને ત્રણેયે ઉભા થઈ ધવલભાઈ પાસે રહેલ થેલો ઝુંટવી લીધો હતો. જેમાં ધવલભાઈએ પ્રતીકાર કરતા ત્રણેય થેલો લઈ બાઈક મુકી ખેતરમાં દોટ મુકી ફરાર થઈ ગયા હતા. આથી ધવલભાઈએ પાછળ દોટ પણ મુકી હતી. પરંતુ તેઓએ ધવલભાઈને ભેગા થવા દીધા નહી આથી ધવલભાઈને આ શખ્‍સો ખેતમજુર જેવા લાગતા હતા. આ અંગે તેઓએ જોરાવરનગર પોલીસ મથકે અજાણ્‍યા ૩ શખ્‍સો સામે રૂપીયા ૧.૭૦ લાખ રોકડાની લૂંટ ચલાવ્‍યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ એચ.જી.ગોહીલ ચલાવી રહ્યા છે.(૯.૭)

(11:09 AM IST)