<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

ખેત મજૂર દંપતીનો કરૂણ અંત બોલાચાલી બાદ ગળેફાંસો અને કૂદકો

ધ્રોલના રોજીયા ગામે ખેત મંજુર પતિ-પત્‍નીના કરૂણ મોતઃ બોલાચાલી બાદ પતિએ ગળેફાંસો ખાધો, આઘાતમાં પત્‍નીએ કૂવામાં ઝંપલાવ્‍યું

 

 (સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૬: જામનગર જિલ્લાના ધ્રોલ રોજીયા ગામની સીમમાં ગત તા. ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ રાત્રે એક અત્‍યંત કરૂણ ઘટના બની હતી, જેમાં પતિ-પત્‍નીના મોત થયા હતા. ધ્રોલ પો.સ્‍ટે.માં  નોંધાયેલી વિગતો અનુસાર, રોજીયા ગામની સીમમાં આવેલી લગધીરસિંહ રતુભા જાડેજાની વાડીએ મગફળીના રખોપા માટે આવેલા મૂળ મધ્‍યપ્રદેશના વતની ગોરધનભાઇ વાસુનીયા અને તેમની પત્‍ની રાહલીબેન (ઉં.વ. ૧૯) વચ્‍ચે રાત્રીના કલાક ૨૧:૦૦ થી બીજા દિવસે સવારના ૦૯:૦૦ વાગ્‍યાની વચ્‍ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીને પગલે ગોરધનભાઈને મનમાં લાગી આવતાં, તેમણે ગોડાઉનમાં જ ગળેફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. પતિના મળત્‍યુથી ગભરાઈ ગયેલા અને આઘાતમાં સરી પડેલા રાહલીબેને ત્‍યાર બાદ ત્‍યાં જ વાડીમાં આવેલા પાણીના કૂવામાં ઝંપલાવીને આત્‍મહત્‍યા કરી હતી, જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેમનું પણ મળત્‍યુ નીપજ્‍યું હતું. આ દુઃખદ ઘટનાની જાણ મરણ જનાર રાહલીબેનના ભાઈ ફરિયાદી ચિરલીયા ભાગડાભાઇ બામણીયાએ તા. ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કરતાં, ધ્રોલ પોલીસ ઇન્‍સ્‍પેકટર  એચ.વી. રાઠોડ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(૨.૬)

(11:09 AM IST)