<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

થાનમાં પોલીસ ડ્રાઇવ વેળા કાર ભગાવીને નબીરાએ ભર બજારે ૧પ વ્‍યકિતને હડફેટે લઇ લીધાઃ બે ગંભીર

ચોંકાવનારી ઘટનાઃ અંતે કાર રેઢી મળીઃ અસામાજિકોના વર્તન સામે ઉઠેલા સવાલ

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૪: થાનમાં પોલીસની ચેકિંગ ડ્રાઇવ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સર્જાઈ હતી. પોલીસે કાળા કાચ બદલ એક કારને રોકતા જ નબીરો કાર લઈને નાસી છૂટયો હતો. આ નબીરાએ ભર બજારમાં ૧૫થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્‍માતમાં ૨ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે. પોલીસની હાજરીમાં જ બનેલી આ ઘટના બાદ, ખુદ ડીવાયએસપી અને થાન પીઆઇ એ નબીરાની અટકાયત કરી તેને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્‍યું હતું. પોલીસે નંબર પ્‍લેટ વગરની અને બ્‍લેક ફિલ્‍મ ધરાવતી અન્‍ય લક્‍ઝુરિયસ ગાડીઓ પણ જપ્ત કરી કાયદો અને વ્‍યવસ્‍થા સુધારવાના પ્રયાસો શરૂ કર્યા છે.થાનગઢ શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે લીંબડીના ડીવાયએસપી અને થાન પોલીસ દ્વારા આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એક વ્‍યક્‍તિને ગંભીર ઇજા પહોંચી હતી. જ્‍યારે અન્‍ય કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી. અકસ્‍માત સર્જાયા બાદ અસમાજિક તત્‍વોની જેમ વર્તતા કારચાલકે પોતાની કારને થોડે દૂર ખાખરાળી ચોકડી નજીક મૂકી દીધી હતી અને તે ત્‍યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટનાની ગંભીરતા જોતાં થાનગઢ પોલીસે તાત્‍કાલિક કારને કબજે લીધી હતી અને તેને પોલીસ સ્‍ટેશન લાવી હતી. પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ઈરાદાપૂર્વક હત્‍યાનો પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્‍ય માહિતીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ અસામાજિક તત્‍વોના બેફામ વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

થાનગઢ નવા પીઆઇ ટી.બી.હીરાણી અને લીમડીના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા પીપળાના ચોકમાં ટ્રાફિક ડ્રાઈવ કરાઇ હતી. દરમિયાન એક કારને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં બેઠેલા શખ્‍સ દ્વારા થાનગઢ પીપળાના ચોકની અંદર રેલવે ફાટક સુધી કાર દોડાવાઇ હતી. બાઇકને ૫૦૦ મીટર સુધી ઢસડી લઈ ગયો હતો. પોલીસ તેની પાછળ દોડતાં પિક્‍ચરમાં દ્રશ્‍ય સર્જાય એવા દ્રશ્‍યો સર્જાયા હતા.

આ સમયે સ્‍વીફટ ગાડી દ્વારા ૮થી ૧૦ લોકોને ઇજા કરાતાં એક વ્‍યક્‍તિને પગે ફેક્‍ચર થયું હતું. કાર ખાખરાળી ચોકડીએ ગાડી બિનવારસી મળી હતી. કારમાંથી એક મોબાઇલ મળ્‍યો છે.નંબરના આધારે આ કાર વિજય ખાચરના નામે હોવાનું જાણવા મળ્‍યું હતું.

આ વ્‍યક્‍તિ કયાં રહે છે તેની તપાસ ચાલુ હોવાની પીઆઇ પી.બી. હિરાણીએ જણાવ્‍યું હતું.

ઘરેથી ૩-૪ મિત્ર પીપળાના ચોકમાં ચાલીને જતા હતા. ત્‍યારે પાછળથી આવીને ગાડીએ ટક્કર મારી અને એકવાર પડી ગયો બે મિત્રને પણ વાગ્‍યું છે. મને પગે ફેક્‍ચર થઈ ગયું છે મારો પગ ભાંગી ગયો છે અને મિત્રને મુઢમાર વાગ્‍યો છે. તેમ વિશાલ ભીખુભાઇ સોલંકી નામના વ્‍યકિતએ જણાવ્‍યું છે.(૬.૧૦)

(11:28 AM IST)