તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
'સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઈન' સફળ : પૂર્વ કચ્છના ૧૭૭ ગામો ૨,૦૦૦ હાઈટેક કેમેરાથી સજ્જ : આગામી બે મહિનામાં સંપૂર્ણ વિસ્તાર CCTV હેઠળ આવશે:જુઓ વિડીયો
પોલીસવડા સાગર બાગમારના માર્ગદર્શનમાં ડીએસપી કચેરીનું મહત્ત્વકાંક્ષી આયોજન : બાકીના ૧૧૭ ગામોમાં ૧,૨૦૦ કેમેરા લગાવવાનું કામ શરૂ : ૪,૦૦૦થી વધુ કેમેરાનો લક્ષ્યાંક : ગુનાખોરી ડામવા અને સરહદી સુરક્ષા વધારવા પર ભાર

ભુજ, વિનોદ ગાલા દ્વારા : પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા શરૂ કરાયેલા મહત્ત્વકાંક્ષી 'સેફ ઈસ્ટ કચ્છ કેમ્પેઈન' ને અભૂતપૂર્વ સફળતા મળી છે. પોલીસની અપીલ અને લોકભાગીદારીના સહયોગથી પૂર્વ કચ્છના કુલ ૨૯૪ ગામડાઓ પૈકી ૧૭૭ ગામોને ૨,૦૦૦ હાઈટેક સીસીટીવી કેમેરાથી સંપૂર્ણપણે સજ્જ કરી દેવામાં આવ્યા છે.
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, લૂંટ, હત્યા, ચોરી જેવી ગંભીર ઘટનાઓમાં ભેદ ઉકેલવામાં સીસીટીવી કેમેરાનો સિંહ ફાળો રહ્યો છે. જિલ્લાની સુરક્ષા વધારવાના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ૬૦ ટકા ગામોને આવરી લેવાયા છે.
આગામી બે મહિનામાં ૧૦૦ ટકા કવરેજનું પ્લાનિંગ
પોલીસવડા બાગમારે જણાવ્યું કે, હવે બાકી રહેતા ૧૧૭ ગામોમાં ૧,૨૦૦ સીસીટીવી કેમેરા લગાડવાનું કામ ચાલી રહ્યું છે. પૂર્વ કચ્છ પોલીસનો લક્ષ્યાંક છે કે આગામી બે મહિનામાં કુલ ૪,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને સંપૂર્ણ પૂર્વ કચ્છને ૧૦૦ ટકા સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવાય.
આ ઝુંબેશમાં ગ્રામપંચાયતો, સ્થાનિક દાતાઓ તેમજ આસપાસની કંપનીઓના સીએસઆર (CSR) ફંડમાંથી અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે.
એસપી બાગમારે માહિતી આપી હતી કે, સરહદ પરની નાપાક હરકતો અટકાવવા, ગ્રામ્ય કક્ષાએ થતી ગુનાખોરીને ડામવા અને ગુનાના ડિટેક્શનને વધારવા માટે આ ઝુંબેશ અત્યંત ઉપયોગી સાબિત થશે.
સૌથી વધુ કેમેરા સરહદી વિસ્તારોમાં
સરહદી વિસ્તારના ગામોમાં સીસીટીવી કેમેરા સૌથી વધુ લગાવાયા છે:
* ખડીર પોલીસ હદના ૮ ગામો: ૭૭ કેમેરા
* બાલાસર પોલીસ હદના ૨૦ ગામો: ૨૨૫ કેમેરા
આ કેમેરામાં હાઈટેક ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરાનો પણ સમાવેશ થાય છે.
મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં ખાસ અપીલ
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે લોકોને જાગૃત થવા અને જિલ્લાને સલામત બનાવવા સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દરેક સોસાયટી, ઘર કે ગામડાઓની મુખ્ય જગ્યાઓ પર કેમેરા લગાવી દેવાય તો ગંભીર બનાવ બને તો પણ પોલીસને તાત્કાલિક આરોપીઓ સુધી પહોંચવામાં સરળતા રહે છે અને આવા તત્વોમાં પણ ભય રહે છે.
ખાસ કરીને, દર વર્ષે મંદિર કે ધાર્મિક સ્થાનોમાંથી ચોરીના બનાવો સામે આવતા રહે છે. તસ્કરો અને અનિચ્છનીય વ્યક્તિઓ સરહદી વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન ન બનાવે તે માટે ગ્રામ પંચાયતો અને દાતાઓને મંદિરોમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
