તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st October 2025
ગિરનાર ક્ષેત્રમાં ઝાપટા, પરિક્રમા અંગે હજુ અસમંજસ
ઝાપટાથી પરિક્રમા માર્ગની હાલત બદતર, અનેક વાહનો ફસાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૧: ગિરનાર ક્ષેત્રમાં ઝાપટા ચાલુ રહેતા આગામી તારીખ બીજી નવેમ્બરથી શરૂ થનાર લીલી પરિક્રમા અંગે હજુ અસમંજસ છે. ઝાપટાંથી પરિક્રમા રૂટની હાલત બદતર થઈ જવાના કારણે અનેક વાહનો ફસાઈ ગયા હતા. કાદવમાં ખૂંપી ગયેલા પોલીસ અને વન વિભાગના વાહનોને કાઢવા કયાંક ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી તો કયાંક વાહનોને ધક્કા મારવા પડ્યા હતા.
પરિક્રમા રૂટનું ધોવાણ થઈ ગયું હોવાથી અનક્ષત્રના વાહનો ફસાઈ જાય અને વધુ હાલાકી સર્જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા ચાર દિવસથી ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં હળવા થી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે આજે ભારે વરસાદની આગાહી છે.
ભાવિકોની સલામતી માટે ગિરનાર પરિક્રમાના ૩૬ કિલોમીટરના રસ્તાને વન વિભાગ દ્વારા મરામત કરવામાં આવ્યો હતો. પરંતુ માવઠાએ તંત્રની મહેનત પર પાણી ફેરવી દીધું છે કાદવ કીચડ સુકાવાને બદલે સતત ઝાપટા શરૂ રહેતા પરિક્રમા રૂટની હાલત બદતર થઈ ગઈ છે. હજુ પરિક્રમા કરવી કે નહીં તે નિર્ણય પણ ભારે વરસાદની આગાહીના કારણે લઈ શકાય તેમ નથી.
હાલ પોલીસની રાવટી પરિક્રમા રૂટ પર લાઇટિંગની વ્યવસ્થા આરોગ્ય અને પાણીની સુવિધા, વન્ય પ્રાણીઓના રેસ્કયૂ સહિતની કામગીરી માટે પાંજરા મૂકવાની કામગીરી રૂટના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી રહી છે.
ગઈકાલે પરિક્રમા રૂટ પર જવાના અલગ અલગ રસ્તાઓ પરથી અલગ અલગ વિભાગના વાહનો તૈયારીના ભાગરૂપે ગયા હતા ત્યારે અનેક વાહનો ફસાઈ ગયા હતા. હાલની સ્થિતિને જોતા જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો ભાવિકો માટે એક પડકારજનક યાત્રા બની જાય તેમ છે.(૨.૧૩)
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
