તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
કેશોદમાં ચારચોક અને સર્વિસ રોડના માર્ગનો ઢાળ સામ સામો આપી દેવાતા સામાન્ય વરસાદથી દુર્દશા
કરોડોના ખર્ચ બાદ પણ સૂવિધાને બદલે મોટી દુવિધા સર્જાય : લોકોને સતાવતી સ્થિતિથી સંપૂર્ણ વાકેફ તંત્રવાહકોની નિષ્ક્રિયતા : વાહન ચાલકો તથા રાહદારીઓની ભારે કફોડી સ્થિતિ : ટ્રાફીકથી ભરચક ચાર ચોકમાં પાણી જ પાણી : કાદવ-કિચડનું સામ્રાજયઃ દુકાનો સુધી ગ્રાહકો નહી પહોંચી શકતા વેપારીઓમાં રોષ : વરસાદી પાણી ભરાતા અંડરબ્રીજ ઉપર આર.સી.સી.બોકસમાં ગાબડા : ઢાળ પુર્વ તરફ આપવા તથા ગટર બનાવવા માંગ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા., ૩૦ : અત્રે અંડરબ્રિજ નિર્માણ દરમિયાન ચારચોક માં બનાવવામાં આવેલ આર.સી.સી. રોડ અને પૂર્વ તરફ તાજેતરમાં બનાવવામાં આવેલ સર્વિસ રોડનો ઢાળ સામસામે (વિરુદ્ધ દિશામાં ) આપી દેવાતા પરિણામે ચોમાસા દરમિયાન માત્ર સામાન્ય વરસાદ પડતા જ શહેરના હૃદય સમા ચારચોકની ભારે દુર્દશા સર્જાય છે. પ્રવર્તમાન કમોસમી વરસાદના માહોલ વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં માત્ર કુલ અઢીથી ત્રણ ઇંચ જેવો સામાન્ય વરસાદ પડતા જ ટ્રાફિકથી ભરચક એવા ચારચોક વિસ્તારમાં નવનિર્મિત માર્ગો પર પાણી ભરાઈ જવા પામેલ હોય આ વિસ્તારમાંથી પસાર થતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આમ છતાં નવાઈની વાત એ છે કે, આ શહેરના મુખ્ય માર્ગની સર્જાયેલ વરવી સ્થિતિ સંબંધિત તંત્રના ધ્યાને આવતી નથી અર્થાત સ્થિતિને ગંભીરતાથી લેવાની બદલે તંત્રવાહકો પણ સામાન્ય લોકોની જેમ આંખ આડા કાન કરી આ માર્ગ પરથી પસાર થઈ જાય છે !! બીજા શબ્દોમાં કહેવું હોય તો આ સંદર્ભે કહી શકાય કે સમગ્ર સ્થિતિથી સંપૂર્ણ વાકેફ સંબંધિત તંત્રવાહકોની નિષ્ક્રિયતા લોકોને ભારે અકળાવી રહેલ છે.
લગભગ પોણા ચાર વર્ષ ના અંતે અંડરબ્રિજ નિર્માણ બાદ સમગ્ર ચાર ચોક વિસ્તારની ભૂગોળ બદલાઈ ગઈ હોય તેવું જણાઈ રહેલ છે. અંડર બ્રિજના નિર્માણથી સુવિધાઓની સાથે અનેક પ્રકારની દુવિધાઓ પણ વધી ગયેલ હોવાનું લોકો આક્રોશ વ્યક્ત કરીરહ્યા છે. આ સ્થિતિ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચ્યા બાદ પણ જરૂરી પ્રાથમિક વ્યવસ્થા અને જરૂરી આયોજનનો ભારે અભાવ જણાઈ રહેલ છે.
ખાસ કરીને નદીના નીરને વિંધીને બનાવવામાં આવેલ લગભગ અડધા કિલોમીટરથી પણ વધુ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો મનાતો અને તાજેતરમાં જ ચાલુ થયેલ આ અંડર બ્રિજમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભરાતા આ બ્રિજને ના છૂટકે બંધ કરવાની તંત્રએ ફરજ પડતી હોય કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ બ્રિજ ચોમાસા દરમિયાન નકામો બની જાય છે !
બીજી તરફ બ્રિજની ઉપરની બાજુએ આવેલ માર્ગની ઉપરની સ્થિતિ જોઈએ તો ઉત્તર અને દક્ષિણ તરફ જુનાગઢ - વેરાવળ માર્ગ પસાર થાય છે.
અંડર બ્રિજના નિર્માણ બાદ આ વિસ્તારની કંઈક અંશે ભૌગોલિક સ્થિતિ બદલાઈ જતા ટ્રાફિકથી ભારે ધમધમતા આ શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારમાં ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જાય છે. અને વરસાદ વિરામ બાદ પણ ઘણા દિવસો સુધી ચારચોક થી લઈ પૂર્વ તરફ આવેલ સર્વિસ રોડ પર ગંદા પાણી સહિત કાદવ- કિચડનું સામ્રાજ્ય સર્જાતા આ માર્ગ પર ચાલવું ભારેમુશ્કેલ બની જાય છે. આ આ સ્થિતિ વચ્ચે આ માર્ગ પરથી પસાર થતા લોકો તથા આ વિસ્તારના વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠે છે.
અંડર બ્રિજ નિર્માણ અગાઉ કુદરતી પાણીના નિકાલ માટે કયારેય પ્રશ્ન સર્જાયો ન હતો. ચાર ચોકના પૂર્વ તરફના વિસ્તારમાં લગભગ ૧૨ થી ૧૫ વર્ષ પહેલા પી. ડબલ્યુ. ડી. દ્વારા આ વરસાદ ના પાણીના નિકાલ માટે ગટરની બહુ સારામાં સારી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. પરંતુ બ્રિજના નિર્માણ બાદ સમગ્ર સ્થિતિ પલટાઈ જવા પામેલ છે. બ્રિજની કામગીરી દરમિયાન કાઢી નાખવામાં આવેલ આ ગટર પુનઃ બનાવવામાં આવેલ નથી બીજી તરફ બ્રિજના કે સર્વિસ રોડના નિર્માણ દરમિયાન કુદરતી પાણીના નિકાલ અંગેનો જવાબદાર સંબંધીતો દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા અંગેનો વિચાર કરવામાં આવેલ ન હતો,જે આયોજનના અભાવે હાલ રાહદારીઓ તથા વાહન ચાલકોએ ભારે હાલાકી સાથે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સામાન્ય નિયમ મુજબ નવા માર્ગોનું નિર્માણ થાય ત્યારે માર્ગનો ઢાળ ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ ની વિરુદ્ધ દિશામાં પેટા રોડ અથવા સર્વિસ રોડ પર આપવામાં આવતો હોય છે જેથી કરીને મુખ્ય માર્ગ પર પાણી ભરાય નહીં અને ટ્રાફિકને પણ અડચણરૂપ થાય નહીં. પરંતુ ચારચોકનો ઢાળ પૂર્વ તરફ અગાઉથી આપેલ હોય આ અંગે ચોમાસા દરમિયાન ઊભી થનાર સ્થિતિ બાબતે આ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ કોન્ટ્રાક્ટ એજન્સીનું ધ્યાન દોરેલ હોવા છતાં પણ સંબંધિત તંત્રની ઘોર બેદરકારીના પરિણામે પૂર્વ તરફ બનાવાયેલ સર્વિસ રોડનો ઢાળ ઉંધો અર્થત પૂર્વ તરફ આપવાને બદલે પશ્ચિમ બાજુએ ચારચોકના મુખ્ય માર્ગ તરફ આપી દેતા આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન આ મુખ્ય માર્ગ પર લાંબા સમય સુધી ગંદા પાણી સાથે ભારે ખદબદતા કાદવ - કિચડ ભરાયેલા રહે છે આ સ્થિતિ વચ્ચે આ સ્થળેથી પસાર થતા લોકો ની હાલત ક્ફોડી બની જાય છે.
આ પ્રકારની દુવિધા યુક્ત વરવી સ્થિતિ ના કારણે આ વ્યાપારિક વિસ્તારમાં ગ્રાહકો પણ વ્યાપારીની દુકાન સુધી પહોંચી શકતા ન હોય વેપારીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળેલ છે. આ વિસ્તારના વેપારીઓ આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે, અંડર બ્રિજની કામગીરીના કારણે છેલ્લા ચાર વર્ષ તો વેપાર ધંધા બંધ રહેતા ભારે મુશ્કેલીઓ સાથે મોટી નુકસાની ભોગવી પડેલ છે. હવે ઉભી થયેલ આ સ્થિતિ અસહ્ય બનેલ હોઈ ચોમાસા દરમિયાન આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ધંધા કરવા કેમ ?! વેપારીઓ માટે આ એક મોટો સવાલ ઊભો થયેલ છે.
નિર્મિત અંડર બ્રિજ ઉપર ચારચોક સહિત કેટલાક ભાગો ઉપર આર.સી.સી.નું બોક્સ બનાવી (બ્રિજને આર સી સી થી ઢાંકી) બ્રિજ ની ઉપરના ભાગે રોડ બનાવવામાં આવેલ છે. હજુ તાજેતરમાં નવું જ બનેલ આ આર.સી.સી.બોક્સ તથા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા મોટા ગાબડા પડી જવા પામેલ છે. ચારચોકમાં બનાવેલ આર.સી.સી.બોક્સ તથા સર્વિસ રોડ પર કોઈ જરૂરી વ્યવસ્થિત લેવલિંગ કે ઢાળ ન હોય પરિણામે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી આ માર્ગ પર ભરાઈ રહે છે જાણકારો કહે છે કે, જો આ સ્થિતિ યથાવત જ રહેશે તો ભવિષ્યમાં અંડરબ્રિજ ઉપર ભરવામાં આવેલ સ્લેબ (આર.સી.સી.બોક્સ) નબળો પડી શકે તેવી શકયતા નકારી શકાય નહીં.
ટ્રાફિકથી વ્યસ્ત રહેતા શહેરના હૃદય સમા ચારચોક વિસ્તારમાં કુદરતી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવી અનિવાર્ય જણાઈ રહેલ છે. આ વિકટ સમસ્યા ના નિરાકરણ માટે ચારચોકથી રેલવે ટ્રેક તરફના સર્વિસ રોડનો ઢાળ પૂર્વ તરફ આપવા અને ગટરનું આયોજન કરવા માંગ ઉઠેલી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
