તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
હાલારમાં ભાઇઓ બાખડી પડયાની એક જ દી'માં એક સાથે ત્રણ ઘટના
મેઘપરમાં ભાઇએ ભાઇને માર્યો : જામનગરમાં દાદીમાં પડી જતા ભાઇઓ વચ્ચે બઘડાટી બોલી : ધ્રોલ પંથકમાં ભેગા રહેવાની ના પાડતા ભાઇએ માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૮: મેઘપર(પંડાણા) પોલીસ સ્ટેશનમાં શકિતસિંહ રણજીતસિંહ રાઠોડ, ઉ.વ.ર૭, રે. રામદુતનગર, બાપાસીતારામ મઢુલી પાસે, મેઘપર ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટી ખાવડી સિકકા પાટીયા પાસે દેશદેવી હોટલ પાસે આરોપીઓ મનોજસિંહ ઉર્ફે કારીયો રણજીતસિંહ જાડેજા, ભાવનાબા રણજીતસિંહ રાઠોડ એ ફરીયાદી શકિતસિંહને જાહેરમાં ઢીકાપાટુનો માર મારી તથા મોઢા ઉપર કડાથી મુંઠમા રાખી જીક મારી મોઢામાં ડાબી સાઈડ ગાલમા તથા નાકમાં ઈજા કરી ફેકચર કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ સાહેદને ઝાપટો મારી તેમજ ફરીયાદી શકિતસિંહ ની ગાડીમાં નુકશાન કરી કાચ તોડી ગાળો કાઢી ગુનો કરેલ છે.
દાદીમાં પડી જતા ભાઈઓ
વચ્ચે બઘડાટી
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ ગીરધરભાઈ માંતગ, ઉ.વ.રર, રે. કિશાન ચોક, કબીર આશ્રમ, હિરાસરવાસ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિનેશભાઈના દાદીમા પડી જતા આરોપીઓ જયેશભાઈ ખેરાજભાઈ માતંગ, વિજયભાઈ જયેશભાઈ માંતગ, ભાવેશભાઈ જયેશભાઈ માંતગ એ ફરીયાદી દિનેશભાઈના પિતા ગીરધરભાઈ તથા ભાઈ થતા હોય જે આરોપીઓ ફરીયાદી દિનેશભાઈના ઘરે આવી ફરીયાદી દિનેશભાઈના ભાઈ કલ્પેશભાઈને બહાર બોલાવેલ અને કલ્પેશભાઈને કહેલ દાદીમાને તમે પછડી દીધેલ છે તેમ કહી ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદી દિનેશભાઈ તથા સાહેદ ગીરધરભાઈ સમજાવવા જતા આરોપી જયેશભાઈએ પોતાના હાથમા રહેલ લાકડાના ધોકા વડે ફરીયાદી દિનેશભાઈને જમણા પગમા એક ઘા મારેલ અને ડાબા પગમાં એક ઘા મારેલ અને જમણા પગમાં ઘુટણના ભાગે ઘા મારેલ આરોપી વિજયભાઈ તથા ભાવેશભાઈએ ફરીયાદી દિનેશભાઈના ભાઈ કલ્પેશભાઈને અને તેના પિતા ગીરધરભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી જયેશભાઈએ ગીરધરભાઈને જમણા પગમા ધોકાનો એક ઘા મારેલ બાદ ફરીયાદી દિનેશભાઈ સાથે આરોપી વિજયભાઈ તથા ભાવેશભાઈએ ઝપાઝપી કરી ગાળો આપેલ અને ફરીયાદી દિનેશભાઈને જમણા પગમાં ફેકચર જેવી ઈજા કરેલ તેમજ સાહેદ ગીરધરભાઈ તથા કલ્પેશભાઈને શરીરે મુંઢ ઈજા કરેલ તથા આરોપી જયેશભાઈએ કહેલ કે તમને બધાને હજી મારવા છે તેમ ધમકી આપી ગુનો કરેલ છે.
ભાઈએ ભેગા રહેવાની ના પાડતા માર માર્યાની રાવ
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ હિરાભાઈ ભુંડીયા, ઉ.વ.૪૦, રે. સુધાધુનાગામ, તા.ધ્રોલ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરમપુર ગામ ખાતે આવેલ રઘુભાઈ પાનવાળાની દુકાન પાસે આરોપી મૈસરૂભાઈ રઘાભાઈ ભુંડીયા એ ફરીયાદી મનસુખભાઈને પોતાના ભાયુ ભેગા રહેવા માટે આરોપી મેસરૂભાઈ કહે તેમ કરવાનું કહેતા ફરીયાદી મનસુખભાઈએ તેવું કરવાની ના પાડતા આરોપી મૈસરૂભાઈ એકદમ ઉગ્ર થઈ ફરીયાદી મનસુખભાઈને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદી મનસુખભાઈના વાસાના ભાગે સોડાની કાચની બોટલ મારી મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.
આંકડા લખતો શખ્સ ઝડપાયો
લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. શકિતસિંહ કારૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ગ્રામ પંચાયત પાસે જાહેર રોડ પર આરોપી જયસુખ પાલાભાઈ ખરા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
બોટલ સાથે શખ્સ ઝડપાયો
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જોલી બંગલા પાસે, એલ.એસ.વોરા હોસ્પિટલની સામે રોડ ઉપર આરોપી સામતભા લખુભા કારા દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
સોહમનગરમાં જુગાર રમતી ચાર મહિલા ઝડપાઈ
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જકાતનાકા, સોહમનગર ધવલ પાન પાસે આરોપીઓ કાજલબેન રાજુભાઈ મોહનભાઈ કેશરીયા, મોહીનીબેન રોહીતભાઈ હરીસભાઈ વરદોરીયા, સીતાબેન રાજુભાઈ ખીમાભાઈ બારસોખીયા, સુમીતાબેન મોહનભાઈ મુળજીભાઈ મકવાણા તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.રપ૮૧૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
