News of Saturday, 18th October 2025
બંગાળની ખાડીમાં વળી એક નવુ વાવાઝોડુ બનશે !
અરબ સાગર સ્થિત સીસ્ટમે વાવાઝોડાનું સ્વરૂપ લીધું નથી ત્યાં : ઓકટોબર-નવેમ્બર-ડીસેમ્બર આ વાવાઝોડાના મહિનાઓ ગણાય છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૮ : તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદભવીને એ સીસ્ટમ અરબ સાગરમાં પ્રવેશી છે અને અહી તે મજબુત બની ડીપ્રેશન-ડીપ ડીપ્રેશન બની યમન-ઓમાન-સોમાલીયા તરફ લેન્ડફોલ કરે એ પહેલા સાયકલોનીક સ્ટોર્મ બની ચુકયું હશે. તેવું આઇએમડી લોંગ ફોરકાસ્ટ મોડેલ મેપ્સ જોઇ અંદાજો આવે છે. જો કે આ મેપ્સમાં જ બંગાળની ખાડીમાં જે નવી સીસ્ટમ આકાર લઇ રહી છે તે પણ વાવાઝોડુ બનવાની પુરી ક્ષમતા ધરાવતી દ્રશ્યમાન થાય છે. સુખદ બાબત એ છે કે હાલ અરબ સાગરની સીસ્ટમ આપણા દેશથી દુર પヘમિ તરફ સરકી રહી હોઇ, માત્ર દ.ગુજરાતમાં તેની અસરે વરસાદી માહોલ છવાયો પણ હવે ગુજરાતમાં વરસાદી શકયતા આઇએમડી નહીવત જણાવે છે.
બંગાળની ખાડીમાં આકાર લઇ રહેલી સીસ્ટમ સંભવતઃ ર૪-રપ તારીખની આસપાસ વાવાઝોડા સ્વરૂપે આંધ્ર-તામીલનાડુ આસપાસ લેન્ડફોલ કરી શકે છે. સ્કાયમેટના વી.પી.મહેશ પલાવતના એનાલીસીસ મુજબ આ સીસ્ટમ આરબ સાગરમાં વિતેલી સીસ્ટમથી થોડી ઉંચે અર્થાત ગુજરાતથી તેનું અંતર જો નજીક રહેશે. તો આ સીસ્ટમ ગુજરાત તરફ ટર્ન લઇ શકે છે. મહેશ પલાવત કહે છે કે ઓકટોબર-નવેમ્બર-ડીસેમ્બર આ ત્રણ માસ વાવાઝોડાના મહિનાઓ ગણાય છે.
ગુજરાતમાં દિવાળી આસપાસ અને દિવાળી પછી વાવાઝોડા બન્યા હોય અને તે કારણે વરસાદી માહોલ બન્યો હોય તેવો ભુતકાળ જોઇએ તો વર્ષ ર૦૧૭માં ર૯ નવેમ્બરે ઓખી નામનું વાવાઝોડુ ૧ થી ૩ ડીસેમ્બરના ગાળામાં ગુજરાત નજીક આવેલુ ૪ થી ૬ ડીસેમ્બર સુધી ગુજરાતમાં ધાબડ છવાયેલ અને ઘણા સ્થળોએ હળવો વરસાદ વરસાવેલ. જો કે બાદમાં તે અરબ સાગરમાં જ વિલય થયેલ. વર્ષ ર૦૧૯માં દિવાળી સમયે અરબ સાગરમાં કયાર નામનું વાવાઝોડુ આકાર પામેલુ. જેને પગલે દિવાળી સમયે ર૩ થી ર૮ ઓકટોબર દરમ્યાન ગુજરાતમાં ધાબડ છવાયેલ અને હળવો વરસાદ સૌરાષ્ટ્રમાં પણ વરસેલો. આ કયાર નામનું વાવાઝોડુ શમી જાય એ પહેલા જ બીજુ એક વાવાઝોડુ મેહા ર થી ૬ નવેમ્બરના સમયગાળામાં સક્રીય બની જતા સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદી માહોલ છવાયેલો. બાદમાં ૧૦ થી ૧પ નવેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલ બુલબુલ વાવાઝોડાથી રાજયમાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આમ ર૦૧૯માં એક નહી પણ ત્રણ-ત્રણ વાવાઝોડાઓ ઓકટોબરના અંતભાગે અને નવેમ્બરના પ્રારંભે જોવા મળેલા હતા.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
